નવસારીમાં મુખ્યમંત્રી રૂપાણીએ નિરાલી કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
પરોપકારી એ.એમ. નાઇક દ્વારા સ્થાપિત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (એનએમએમટી) દ્વારા હોસ્પિટલની સ્થાપના કરાઇ
નવસારી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ આર. રૂપાણીએ નવસારીમાં એ.એમ. નાઇક હેલ્થકેર કોમ્પલેક્ષ ખાતે નિરાલી કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ વ્યાપક અને વાજબી કેન્સર કેર ઓફર કરે છે તેમજ સમગ્ર પ્રદેશમાં ઉપલબ્ધ સેવાઓમાં વધારો અને સુધારો કરશે.
પરોપકારી, પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત તથા લાર્સન એન્ડ ટુબ્રોના ગ્રૂપ ચેરમેન એ.એમ. નાઇકની વ્યક્તિગત ક્ષમતામાં હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. શ્રી નાઇકની પૌત્રીની યાદમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે કામગીરી પ્રતિષ્ઠિત અપોલો સીબીસીસી ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવશે તથા તે ઓન્કોલોજી, ડાયગ્નોસ્ટિક્સ, ન્યુક્લિઅર મેડિસિન, રેડિયોલોજી તેમજ પેઇન મેનેજમેન્ટ, ફિઝિયોથેરાપી વગેરે જેવી અન્ય સેવાઓને આવરી લેશે.
ઉદ્ઘાટન સમારોહમાં નવસારીના સાંસદ સભ્ય શ્રી સી આર પાટીલ;આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા; સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર; રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મેડિકલ એજ્યુકેશન મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી; સાંસદ સભ્યોશ્રીઓ અને મંત્રીશ્રીઓ; નવસારીના કલેક્ટર શ્રી અર્દ્રાઅગ્રવાલ, આઇએએસ; અપોલો હોસ્પિટલ્સના વાઇસ ચેરપર્સન શ્રીમતી પ્રિથા રેડ્ડી; એનએમએમટીના બોર્ડના સદસ્ય શ્રી જિગ્નેશ નાઇક; લાર્સન એન્ડ ટુબ્રોના ઇકોમ મેમ્બર શ્રી વાય એસ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
તેના વિઝન મૂજબ ટ્રસ્ટ નિદાન અને સારવારની અનિશ્ચિતતાઓને દૂર કરવા, વ્યાપક સંભાળને પ્રોત્સાહન આપવા, બિમારીઓને દૂર કરવા અને ઝડપી રિકવરી માટેની પોતાની ક્ષમતાઓમાં સતત વધારો કરશે.
આ પ્રસંગે શ્રી નાયકે કહ્યું હતું કે, આ હોસ્પિટલ સમાજ માટે આશા અને વિશ્વાસનો નવો યુગ લાવશે અને હું મારી જન્મભૂમિ માટે યોગદાન આપવા બદલ અત્યંત ખુશી અનુભવું છું. સમાજના લાભાર્થે કંઇક કરવાની ઇચ્છા મારા પરિવારની પરંપરાનો હંમેશાથી હિસ્સો રહી છે. મારું માનવું છે કે જો દરેક નાગરિક તેમની ક્ષમતા પ્રમાણે જે કંઇપણ કરે – તે ગમે તે હોય – નાણા, સમય અથવા નિપૂંણતા – તેનાથી સ્રોતોના વિશાળ સમૂહમાં ઉમેરો થાય છે અને દેશભરમાં લાખો લોકોને લાભ થાય છે.
એડલગિવ હુરૂન ઇન્ડિયાઝ ફિલેન્થ્રોપી લિસ્ટ 2020માં ઇન્ડિયાઝ મોસ્ટ જનરસ પ્રોફેશ્નલ મેનેજર તરીકે સ્થાન મેળવનારા નાયક આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય નિર્માણના ક્ષેત્રોમાં પરોપકારવૃત્તિ ઉપર કેન્દ્રિત છે.
શ્રી નાયકે ઉમેર્યું હતું “મને ખુશી છે કે દર્દીઓ અને તેમના પરિવારજનોને વિશ્વસ્તરીય તબીબી સેવા અને સંભાળ પ્રદાન કરવાના અમારા વિઝનને આગળ ધપાવવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે નિરાલી કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. અમે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સમાજને સતત સેવા પ્રદાન કરતાં રહીશું અને કેન્સર સામેની લડાઇમાં તેમની સાથે રહીશું. લગભગ એક સદીથી પરોપકારવૃત્તિ મારા પરિવારનો હિસ્સો રહી છે. મને વિશ્વાસ છે કે મારો પુત્ર ભવિષ્યમાં તેને આગળ લઇ જશે.”
એનએમએમટીના લાંબા ટ્રેક રેકોર્ડમાં મુંબઇમાં પવાઇમાં મલ્ટી-ડાયગ્નોસ્ટિક મેડિકલ સેન્ટરની સ્થાપના, સુરતમાં રેડિયેશન સેન્ટર અને મોબાઇલ મેડિકલ યુનિટ્સ સામેલ છે.
આ પહેલાં માર્ચમાં ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકયા નાયડુએ 500 બેડની નિરાલી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો, જે કેન્સર હોસ્પિટલની બાજુમાં આવેલી છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા સંચાલિત હોસ્પિટલ વર્ષ 2022 સુધીમાં કાર્યરત થઇ જશે.