નવસારીમાં મોબાઈલ શોપમાંથી ૬ લાખના સ્માર્ટફોન તેમજ ૩૦ હજાર રોકડની ચોરી
નવસારી, નવસારી શહેરમાં તસ્કરો પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ ઉપરાછાપરી ૩ મહિનામાં ૫ જેટલી ચોરીઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે ફરિવાર રાત્રી કરફ્યૂ દરમિયાન સ્ટેશન રોડ પર આવેલી શૌર્ય મોબાઈલ શોપમાંથી ૬ લાખના સ્માર્ટફોન સાથે ૩૦ હજારની રોકડ રકમ અને કેમેરાના ડીવીઆરની ચોરી થઈ છે.
કોરોના સંક્રમણ કાબૂમાં આવે તે માટે રાજ્ય સરકારે કેટલાક શહેરોમાં રાતના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ અમલી બનાવ્યું છે. જાેકે, પોલીસ બંદોબસ્ત હોવા છતાં તસ્કરો બેફામ બની રાત્રિના સમયમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે શહેરમાં શોર્ય મોબાઈલ શોપનું શટર ઊંચું કરી તસ્કરોએ દુકાનમાંથી તમામ સ્માર્ટફોનની ચોરી કરી હતી. સાથે જ ગલ્લામાં મુકેલા રોકડ ૩૦ હજાર પણ ઉઠાવી ગયા હતા.
સવારે દુકાનના સંચાલકને ચોરીની જાણ થતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ સમગ્ર ચોરીની ઘટના બની ત્યાં જ જિલ્લા પોલીસ નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી લાગેલા છે. જેમાંથી તસ્કરોની ઓળખ મેળવી પોલીસે તપાસ શરૂ કરી છે.HS