નવસારીમાં રખડતા ઢોરે અડફેટે લેતા અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત
નવસારી: રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરના આતંકના કિસ્સા સામે આવી રહ્યા છે. બે દિવસમાં આવા બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં નવસારીના બનાવમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે જામનગર ખાતે બનેલા બનાવમાં રખડતા ઢોરના હુમલા બાદ યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જામનગરનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જ્યારે નવસારી ખાતે બનેલા બનાવમાં વિદ્યાર્થીના મોતથી તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યો છે. ૨૦ વર્ષીય વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે સવારે અકસ્માતમાં મોત થયું છે. રખડતા ઢોરે અડફેટે લેતા વિશાલને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં ભૂતકાળમાં પણ રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
બીજા એક બનાવમાં જામનગર ખાતે રખડતા ઢોરે એક યુવતી પર હુમલો કર્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ બનાવ ચૌહાણ ફળી ખાતે બન્યો છે. ઢોરના હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જાેઈ શકાય છે કે યુવતી શેરીમાં જઈ રહી હોય છે ત્યારે એક ગાય સામેથી દોડી આવીને તેણી પર હુમલો કરી દે છે.
આ દરમિયાન અન્ય એક યુવતી તેને બચાવવા દોડે છે. જાેકે, ગાય કિશોરીને છોડતી નથી અને યુવતી પર હુમલો કરવાનું ચાલુ જ રાખે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ દોડી આવે છે, પરંતુ ગાય હુમલો કરવાનું ચાલુ જ રાખે છે. ગાયના હુમલાથી કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.