નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શકમંદ આરોપીનાં શંકાસ્પદ મોત

Files Photo
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે બે શકમંદ આરોપીનાં શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. બંને શંકાસ્પદ આરોપીઓેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ કરાયા છે, ઉપરાંત પોલીસ સ્ટાફ હાજર હોય ત્યારે બે શખ્સ કેવી રીતે આપઘાત કરી લે તે મોટો સવાલ છે. બંને શકમંદ આરોપીઓએ સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાયરથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે બંને શકમંદ આરોપીને પોલીસ કસ્ટડીમાં નહીં
પરંતુ પ્રાઇવેટ રૂમમાં રાખવામાં આવ્યા હતા. બનાવ સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા છે.
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. બંને આરોપીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લધો છે. બંને શકમંદ આરોપીને ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં બંનેએ આપઘાત કરી લીધો છે. પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શકમંદ આરોપીએ આપઘાત કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. આ મામલે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે શકમંદ આરોપીને ચીખલી પોલીસ લાવવામાં આવ્યા હતા. બંનેને ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. બંને શકમંદ આરોપીના મોત થયા બાદ હવે એ સવાલ ઉઠ્યો છે કે આરોપીઓએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના મારથી બંનેનાં માોત થયા છે? અથવા પોલીસના ટોર્ચરથી કંટાળીને બંનેએ આપઘાત કરી લીધો છે?
દરેક રૂમમાં સીસીટીવી કેમેરા હોય તેમજ ૨૪ કલાક પોલીસ હોય ત્યાં જ કોઈ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ પણ મોટો સવાલ છે. બીજી તરફ બનાવ બાદ ઘટાસ્થળે પહોંચેલા મીડિયાને જે રૂમમાં શકમંદ આરોપીઓએ આપઘાત કર્યો છે તે રૂમમાં પ્રવેશ અપાયો ન હતો. અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશ અપાયો ન હતો. સમગ્ર ઘટનાને લઇને જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.