નવસારી :તાંત્રિક દ્વારા વિધિના બહાને બે બહેનોની સાથે દુષ્કર્મ
નવસારી: નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં તાંત્રિકે એક પિતાને પોતાની વાતોમાં ફસાવીને તેની બે દીકરીઓને ગર્ભવતી બનાવી દીધી છે. આ ઉપરાંત વિધિના બહાને ૫૦ હજાર પડાવી ૩૭ વર્ષના વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુલ નાઇક નામના તાંત્રિકે પોતાની મેલી મુરાદ પૂરી કરી છે. આ વાતની જાણ થતા પિતાએ તાંત્રિક સામે ફરિયાદ કરી છે. ગણદેવી પોલીસે નંદુબારનાં નરાધમ તાંત્રિક અને તેના બે ચેલાની ધરપકડ કરી છે અને તેમની સામે પોસ્કો, અપહરણ, બળાત્કાર અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગણદેવીનાં એક ગામમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર વર્ષોથી રહે છે. આ પરિવાર ગામમાં જ ચા નાસ્તાની દુકાન ચલાવે છે. તેમના પરિવારમાં ચાર પુત્રીઓ છે જેમાંથી બેના લગ્ન થયા છે અને એક ૨૩ વર્ષની પુત્રી પિયરમાં જ રહે છે. આ સાથે તેમને એક ૧૭ અને બીજી ૧૩ વર્ષની પુત્રીઓ છે. ત્રણ મહિના પહેલા માણેકપોર ગામે રહેતો સુરેશ રામસેવક પટેલ (ઉ.વ.૩૦) આમની લારી પર અવારનવાર આવતો હતો. તેમની સાથે થોડી મિત્રતા થતા તેણે પરિવારની વાત કરવાની શરૂ કરી અને પોતાની દીકરી સાસરે નથી જતી અને ઘરે જ રહે છે તેવી વાતો પણ જણાવી.
જેથી તે રામપ્રકાશ તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક (ઉ.વ.૩૭, રહે લાખાપોર, તા. તળોદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને મળવા લઇ ગયો હતો. આ તાંત્રિકે પિતાની વાત સાંભળતા જ તેને કહ્યું કે,’તારા ઘરમાં શેતાનનો વાસ છે તે તારી પુત્રીઓને સાસરે ટકવા નહીં દે, તારે વિધિ કરાવવી પડશે, જે માટે ૫૦ હજારની જરૂર પડશે.’ આ સાંભળીને ડરેલા પિતાએ વિષ્ણુનાં બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા. જે બાદ તેણે કહ્યું હતું કે, તારી દીકરીને તારે વિધિ કરાવવા માટે અહીં મોકલવી પડશે.
તેની સાસરેથી પાછી આવેલી દીકરીને તેને વિધિ માટે મોકલી હતી. તંત્ર મંત્રથી ડરેલી છોકરીને વિધિના બહાને તાંત્રિકે અનેકવાર હવસનો શિકાર બનાવી દીધી હતી. આ છોકરી ઘરે આવી ગઇ પરંતુ ફરીથી તાંત્રિકે કહ્યું કે, વિધિ હજી અધૂરી છે ફરીથી તેને મોકલવી પડશે. પરંતુ ડરેલી છોકરી ફરી ન ગઇ તો તાંત્રિકે કહ્યું કે તારી બીજી દીકરીને મોકલી દે વિધિમાં એ પણ ચાલશે. વિધિ પૂરી નહીં થાય તો તારા પરિવાર પર મોટું સંકટ આવી જશે. જેથી પિતાએ તેની ૧૭ વર્ષની દીકરીને મોકલી દીધી.
જ્યાં પણ તાંત્રિકે તેને પોતાની વાતોમાં ફસાવી તેની પર પણ અનેકવાર હસવનો શિકાર બનાવી દીધી. જે બાદ તેને લગ્નની લાલચ પણ આપી હતી. આ દરમિયાન બંન્ને બહેનો ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતા રોષે ભરાયેલા પિતાએ તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, સગીર દીકરીએ તાંત્રિકને આ વાતની જાણ કરી દીધી. જેથી તાંત્રિકે તેના માણસને મોકલીને સગીરાને પોતાની પાસે લઇ આવી બંન્ને જણ નંદુરબારના લાખાપુરમાં ભાગી ગયા હતા.
જોકે, પોલીસે તાંત્રિક અને તેના બે ચેલાઓની ધરપકડ કરી લીધી છે. સત્તર વર્ષીય તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા હવસખોર તાંત્રિક વિષ્ણુએ કહ્યું હતું કે, તારા પપ્પા ઘર માટે કેટલું કરે છે, તમારે ઘર પર શેતાનની છાયા દૂર કરવા એક વિધિ છે. જેમાં તારે દેવી પાર્વતી અને મારે મહાદેવ શંકરજી બનીને લગ્ન કરવાના છે ને પછી શેતાનને ભગાડવાનો છે. રીમા તેની વાતોમાં આવી જતાં તેણે રીમાને નવવધુનો શણગાર સજાવ્યો હતો. અને પોતે મહાદેવનું રૂપ ધારણ કર્યું હતું.
ત્યારબાદ બનાવટી લગ્ન કર્યા હતા અને હવે આપણે પતિ પત્ની છીએ એટલે સુહાગરાત કરીએ એમ કહીને હવસનો શિકાર બનાવી હતી. પોતાને તાંત્રિકે કહેનારો નરાધમ વિષ્ણુએ દીકરીને રૂપિયાનો વરસાદ પાડતો હોવાનો દેખાવ મોબાઇલ ફોનમાં બતાવ્યો હતો, જેમાં તે તમામ તાંત્રિકવિધિ કરી દરેકની સમસ્યા હલ કરતો હોવાનું જણાવ્યું હતું. આ હવસખોર તાંત્રિકે અન્ય યુવતીઓની જીંદગી સાથે રમત રમી હોવાનું કહેવાય છે. આ મુદ્દે પોલીસ ઉંડી તપાસ કરે તો તેના ઘણા કૌભાંડો બહાર આવી શકે છે.