નવસારી નજીક ખારેલમાં 118ની ક્ષમતા ધરાવતી ‘મુકુલ બૉય્સ હોસ્ટેલ’નું ઉદ્ઘાટન
દાનવીર અને પહ્મવિભૂષણ એવોર્ડ વિજેતા એ એમ નાયકે ખારેલ કેમ્પસમાં બૉય્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું
દાનવીર અને પહ્મવિભૂષણ એવોર્ડ વિજેતા શ્રી એ એમ નાયકે નવસારી નજીક ખારેલમાં અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં 118ની ક્ષમતા ધરાવતી ‘મુકુલ બૉય્સ હોસ્ટેલ’નું ઉદ્ઘાટન કર્યું હતું.
આટલી જ ક્ષમતા ધરાવતી ‘પ્રતિક્ષા ગર્લ્સ હોસ્ટેલ’નું ઉદ્ઘાટન નવેમ્બર, 2020માં થયું હતું. બંને હોસ્ટેલ્સ અને તાલીમ કેન્દ્ર મણિનગર એજ્યુકેશન કેમ્પ્સના વિસ્તરણનો ભાગ છે, જે આ વિસ્તારમાં જિલ્લાના યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે, ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના યુવાનો માટે.
નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અનિલ ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન શ્રી નાયકના અંગત દાનનો ભાગ છે. આ દક્ષિણ ગુજરાતમાં શાળાનો અભ્યાસ અધૂરો મૂકનાર વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય તાલીમ શરૂ કરનારી પ્રથમ સંસ્થા છે. એની શરૂઆતથી અત્યાર સુધી 1100 કન્યાઓ સહિત 3600થી વધારે વિદ્યાર્થીઓ સેન્ટરમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. એનએસડીસીની માન્યતા ધરાવતું આ કેન્દ્ર 90 ટકાથી વધારે પ્લેસમેન્ટ રેટ ધરાવે છે.
આ પ્રસંગે શ્રી નાયકે કહ્યું હતું કેઃ “ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૌશલ્ય-તાલીમ સામાજિક દ્રષ્ટિએ પરિવર્તનકારક બની શકશે. આ છોકરા-છોકરીઓ એમ બંને માટે તક ઊભી કરશે તથા સ્થિર પ્રગતિ માટે નિર્ણાયક બની રહેશે. આ તાલીમ કેન્દ્ર ઉત્કૃષ્ટ કામગીરી કરે છે તથા સમુદાયના યુવાન પુરુષો અને મહિલાઓના જીવનમાં ફરક ઊભું કરશે.”
શ્રી નાયકે ઉમેર્યું હતું કે, તેઓ હંમેશા યુવાન પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહન આપવાની તકો શોધે છે. તેમણે કહ્યું હતું કે, ઉદાહરણ તરીકે તેમને તાજેતરમાં કુદરતી પ્રતિભા ધરાવતો એક યુવાન – દીપક રાજપૂત મળ્યો છે, જે લોકપ્રિય ટીવી શો પર નવસારી જિલ્લામાંથી આવ્યો છે.
આ યુવાન ઓછી ઊંચાઈ ધરાવે છે છતાં સફળ ડાન્સર છે. ટીવી શૉ પર એરિયલ સ્ટન્ટમાં તેનાં ડાન્સ અને પર્ફોર્મન્સથી પ્રભાવિત શ્રી નાયકે રૂ. 1 લાખનો પુરસ્કાર આપીને તેની સફળતાને બિરદાવવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ઘણી પ્રતિભાઓ બહાર આવતી નથી અને તેમને બહાર લાવવી તમામ નાગરિકોની જવાબદારી છે.