નવા આઇટી કાયદાઓનું પાલન કરવામાં ટ્વીટર નિષ્ફળ રહ્યું છે: રવિશંકર પ્રસાદ
નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરને મળેલું કાયદાકિય સંરક્ષણ હવે ખતમ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પછી એક ટ્વીટ કરીને આ મામલા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. પ્રસાદે કહ્યું કે, આ વાતને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ટ્વીટર ભારતમાં કાયદાકિય સુરક્ષા મેળવવા હકદાર છે? આ મામલાનું સાધારણ તથ્ય એ છે કે ટ્વીટર ૨૬ મેથી લાગુ થયેલા નવા આઇટી કાયદાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
નોંધનીય છે કે, ટ્વીટરના કાયદાકિય સંરક્ષણ ખતમ થવાને લઈ કેન્દ્ર સરકારે કોઈ પણ આદેશ જાહેર નથી કર્યો. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમનું પાલન નહીં કરવાના કારણે આ કાયદાકિય સંરક્ષણ આપ-મેળે ખતમ થયું છે. કાયદાકિય સંરક્ષણ ૨૫ મેથી ખતમ માનવામાં આવ્યું છે. ટ્વીટરને આ કાયદાકિય સંરક્ષપ્ણ આઇટી એક્ટની કલમ ૭૯ હેઠળ મળી રહ્યું હતું. આ કલમ ટ્વીટરને કોઈ પણ કાયદાકિય કાર્યવાહી, માનહાનિ કે દંડથી છૂટ આપતી હતી. કાયદાકિય સંરક્ષણ ખતમ થતાં જ ટ્વીટરની વિરુદ્ધ પહેલો મામલો ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નોંધવામાં આવ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ટ્વીટરને સરકાર તરફથી અનેક તકો આપવામાં આવી હતી. પરંતુ ટ્વીટર દર વખતે નિયમોનું અવગણતું રહ્યું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતની સંસ્કૃતિ પોતાની વિશાળ ભૌગોલિક સ્થિતિની જેમ બદલતી રહે છે. સોશિયલ મીડિયામાં એક નાનો તણખો પણ મોટી આગનું કારણ બની શકે છે. ખાસ કરીને ફેક ન્યૂઝનો ખતરો વધારે છે. તેની પર કન્ટ્રોલ કરવા અને તેને રોકવા માટે નવા આઇટી નિયમોમાં મહત્ત્વપૂર્ણ નિયમ હતા, જેનું પાલન ટ્વીટરે નથી કર્યું. રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ આશ્ચર્યજનક છે કે ટ્વીટર જે પોતાને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષકાર તરીકે ચિત્રિત કરે છે અને કાયદાના અમલની વાત કરે છે, તેણે જ આઇટી નિયમોને ગણકાર્યા નથી.
મૂળે, ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધની સાથે મારઝૂડ અને અભદ્રતા કરવાનો વીડિયો વાયરલ થયા બાદ એફઆઇઆર નોંધી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ મુસ્લિમ સાથે મારઝૂડ કરવામાં આવી અને તેમની દાઢી કાપવામાં આવી. પોલીસ મુજબ, પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક માદળીયા આપ્યા હતા, જેનો કોઈ ફાયદો ન થતાં નારાજ આરોપીએ મારઝૂડ કરી. પોલીસે એવું પણ જણાવ્યું કે પીડિતે પોતાની એફઆઇઆરમાં જય શ્રી રામના નારા લગાવ્યા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી. જાેકે, ટ્વીટરે આ વીડિયોને મેન્યૂપ્યુલેટેડ મીડિયાનો ટેગ આપ્યો નહીં.
જે લોકો સામે મામલો નોંધવામાં આવ્યો છે તેમાં અય્યૂબ અને નકવી પત્રકાર છે. જુબૈર ફેક્ટ ચેકિંગ વેબસાઇટ ઓલ્ટ ન્યૂઝનો લેખક છે. ડૉ. શમા મોહમ્મદ અને નિજામી કાૅંગ્રેસના નેતા છે. બીજી તરફ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સંઘના પૂર્વ અધ્યક્ષ ઉસ્માનીનું નામ પણ સામેલ છે.