નવા ખતરાને લઈને ભારતે સજ્જ રહેવું પડશે : નરવણે
નવી દિલ્હી: ભારતની સરહદોની સ્થિતિને ધ્યાને લઈ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા ખતરાઓને લઈ તૈયાર રહેવા માટે કહ્યું છે. સાથોસાથ તેઓએ કહ્યું છે કે આ ખતરાઓનો સામનો કરવા માટે ભારતનું આક્રમણ વલણ વધુ મજબૂત કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આર્મી ચીફની આ ટિપ્પણી રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા સંસદમાં એ જણાવ્યા બાદ આવી છે કે લદાખમાં ભારત-ચીનની વચ્ચે સેનાઓ હટાવવા અંગે સહમતિ સધાઈ ગઈ છે.સેન્ટર ફોર લેન્ડ વોરફેર દ્વારા આયોજિત એક સેમીનારમાં જનરલ નરવણેએ કહ્યું કે, આપણા દેશની ઉત્તરી સરહદો પર ઊભી થયેલી સ્થિતિએ આપણને ગંભીર રીતે વિચારવા માટે મજબૂર કર્યા છે.
આપણી સરહદોનું યોગ્ય રીતે નિર્ધારણ ન થયું હોવાના કારણે આપણી અખંડતા અને સંપ્રભુતા સંરક્ષણના સંબંધમાં પડકારો છે. જનરલ નરવણેએ ૨૧મી સદીમાં પડકારોના બદલાતા પેટર્ન ઉપર પણ ચર્ચા કરી છે. તેઓએ જણાવ્યું કે ટેન્ક અને ફાઇટર જેટ જેવા યુદ્ધક પ્લેટફોર્મ એક સમયે ૨૦મી સદીમાં યુદ્ધના મુખ્ય આધાર હતા પરંતુ હવે નવા પ્રકારના પડકારો ઉભરી રહ્યા છે.
તેના માટે તેઓએ આર્મેનિયા-અઝરબૈજાનની વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ કર્યો. નોંધનીય છે કે, ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે વિવાદના લગભગ ૧૦ મહિના બાદ પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી સૈનિકોને પરત લેવા માટે ચીન સાથે સમજૂતી થઈ ગઈ છે.
રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે. રક્ષા મંત્રીએ એલાન કર્યું કે ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે, જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે.