નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં PF-VRS પેમેન્ટ ગ્રેચ્યુઇટી-PPF પર વ્યાજ IT માં બાદ મળશે
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે રજૂ કરેલ સામાન્ય બજેટમાં નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરી હતી. આ માટે કરદાતાઓને જૂની ટેક્સ પ્રણાલિ અને નવી ટેક્સ પ્રણાલિ બેમાંથી એક પસંદ કરવાનો પણ વિકલ્પ અપાયો છે. આ બંને પ્રણાલિમાં જૂની પ્રણાલિ ડિડક્શન અને કર રાહતોવાળી પ્રણાલિ છે અને નવા પ્રણાલિ છૂટછાટ વગરની છે. તેમ છતાં હજુ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરદાતાઓ ૫૦ પ્રકારની છુટછાટનો ફાયદો ઉઠાવી શકે છે.
નવા ઇન્કમટેક્સ સ્લેબમાં હજુ પણ કરદાતાઓ પાસે ૫૦ પ્રકારની છુટછાટ ઉપલબ્ધ છે.
નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને વીઆરએસ પર મળતા ઈન્સેન્ટીવને પણ ટેક્સમાંથી બાદ મળશે. જ્યારે એલટીએ, એચઆરને દ્વારા મળતી વાર્ષિક છૂટ આગામી નાણાકીય વર્ષથી મળશે નહીં. એ માટે તમારે જૂના સ્લેબથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. નવા ટેક્સ સ્લેબ પ્રમાણે જે ૫૦ છુટછાટ ઉપલબ્ધ છે તે યાદીમાં રૂ.પાંચ લાખ સુધીનું વીઆરએસ પેમેન્ટ, એલઆઇસી પોલિસી હેઠળ મળતું બોનસ (કેટલીક શરતોને આધીન), જીપીએફ અને પીપીએફ પર વ્યાજ, નવી પેન્શન સ્કીમ (એનપીએસ)થી મળતું પેમેન્ટ, શિક્ષણના ખર્ચને પહોંચી વળવા અપાતી સ્કોલરશિપનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ ખાતા દ્વારા મળતી રકમ, સરકાર કે સરકારી સંસ્થા તરફથી કોઇ સન્માન સાથેમળતી રકમ પૂર્વોત્તર રાજ્યોમાં મળતા કેટલાક લાભ વગેરે નવી ઇન્કમટેક્સ સિસ્ટમમાં કરમુક્ત રહેશે. આ ઉપરાંત ખેતીની આવક, અવિભાજિત હિંદુ પરિવારના કોઇ સભ્યને વડિલોપાર્જિત સંપત્તિથી મળતા નાણાં, કંપનીના ભાગીદારને મળનાર પ્રોફિટ હિસ્સો, નિવૃત્તિ કે મૃત્યુ પર મળતી ગ્રેચ્યુઇટીનો પણ આ ૫૦ કર રાહતમાં સમાવેશ થાય છે.