નવા ટ્રાફિક દંડ નિયમો બાદ કેન્દ્રને રૂ.૫૭૭.૫૦ કરોડની આવક
નવીદિલ્હી : દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયા બાદથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ અઢી મહિનાના સમયમાં ૩૮ લાખથી વધુ ચલણ કાપવામાં આવ્યાં છે અને આ ચલણ દ્વારા રૂ. ૫૭૭.૫૦ કરોડનો દંડ ચૂકવવામાં આવ્યો છે એવી માહિતી કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ આંકડો કોર્ટમાં મોકલવામાં આવેલાં ચલણ પર આધારિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનઆઇસીનાં વાહન અને સારથિ પર ઉપલબ્ધ ડેટાબેઝ અનુસાર ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૩૮,૩૯,૪૦૬ ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ચલણ દ્વારા રૂ. ૫,૭૭,૫૧,૭૯,૮૯૫નો દંડ વસૂલાયો છે. તેમણે જણાવ્યું છે કે આ ડેટા ચંડીગઢ, પુડ્ડુચેરી, આસામ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, ઓરિસા, દિલ્હી, રાજસ્થાન, બિહાર, દાદરા અને નગરહવેલી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યોનો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થયા બાદ સૌથી વધુ ચલણ તામિલનાડુમાં ૧૪,૧૩,૯૯૬ કાપવામાં આવ્યા છે. સૌથી ઓછા ચલણની સંખ્યા ગોવામાં ૫૮ની છે. તાજેતરમાં સરકારે સંસદમાં એમ પણ જણાવ્યું કે કોઇ પણ રાજ્ય તરફથી નવા નિયમ લાગુ ન કરવાની કોઇ જાણકારી નથી.