નવા રેલવે મંત્રીએ સ્ટાફનો કામ કરવાનો સમય બદલ્યો
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારમાં નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી પહેલા પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી નાખ્યો. મળતી માહિતી મુજબ રેલવે મંત્રીનો સ્ટાફ હવે ૨ શિફ્ટમાં કામ કરશે. આ સ્ટાફ સવારે ૭ વાગ્યાથી લઈને રાતે ૧૨ વાગ્યા સુધી કામ કરશે.
રેલવે મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે હાલ આ આદેશ ફક્ત રેલવે મંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે છે. જાે કે આગળ તેનો વિસ્તાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે પૂર્વ નોકરશાહ અશ્વિની વૈષ્ણવે બુધવારે મંત્રી પદના શપથ લીધા હતા. તેમને રેલવે મંત્રાલયની સાથે સાથે ની પણ જવાબદારી અપાઈ છે.
નોંધનીય છે કે આ અગાઉ રેલવે મંત્રાલયની જવાબદારી પિયુષ ગોયલ પાસે હતી. તેમને હવે કપડા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
કપડા મંત્રાલયની જવાબદારી સ્મૃતિ ઈરાની સંભાળી રહ્યા હતા અને હવે તેમને મહિલા અને બાળવિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલયની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપાઈ છે જ્યારે હરદીપ સિંહ પુરી નવા પેટ્રોલિયમ મંત્રી બન્યા છે.
ઓડિશાથી ભાજપના સાંસદ અશ્વિની વૈષ્ણવ બ્યૂરોક્રેટ (નોકરશાહ) રહી ચૂક્યા છે. તેઓ ૧૯૯૪ બેચના આઈએએસ અધિકારી હતા. અશ્વિની વૈષ્ણવે આઈએએસ અધિકારી હતા ત્યારે અનેક શાનદાર કામ કર્યા હતા. ઓડિશાના બાલાસોરમાં આવેલા સમુદ્રી તોફાન સમયે રાહત પહોંચાડવાને લઈને તેઓ ચર્ચામાં હતા. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી સરકારમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.