નવા વડા પ્રધાન તરીકે કોને પસંદ કરશો ? એક સર્વેમાં યોગી આદિત્યનાથને પસંદ કરાયા
નવી દિલ્હી, તાજેતરમાં થયેલા એક સર્વેમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે લોકોએ યોગી આદિત્યનાથને પોતાની પસંદગીના વડા પ્રધાન જણાવ્યા હતા.
મૂડ ઑફ ધ નેશન નામે કાર્વી ઇન્સાઇટ્સ અને એક સાપ્તાહિકે હાથ ધરેલા સર્વેમાં એમ પણ જણાવાયું હતું કે ખેડૂત આંદોલનના કારણે ભલે વાતાવરણ તંગ જણાતું હોય, આજની તારીખમાં સંસદીય ચૂંટણી થાય તો ભાજપ (એનડીએ) ને સહેલાઇથી બહુમતી મળી શકે. એટલે કે મોદી સરકારે લીધેલાં કેટલાંક વિવાદાસ્પદ પગલાં છતાં આજે પણ એનડીએ લોકોની પહેલી પસંદ હતો.
3થી 13 જાન્યુઆરી સુધી કરાયેલા સર્વેમાં એક પ્રશ્ન એવો હતો કે નરેન્દ્ર મોદી પછી તમે કોને વડા પ્રધાન તરીકે પસંદ કરો. સર્વે કરાયેલા 12,232 લોકોમાં 67 ટકા ગ્રામીણ લોકો હતા એવો દાવો સર્વેમાં કરાયો હતો. આમ તો અત્યારે પણ અનેક લોકો ઇચ્છે છે કે ફરી એકવાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને પરંતુ કદાચ એ ન બને તો બીજા વડા પ્રધાન તરીકે સર્વેમાં જવાબ આપનારા લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા.
આ સર્વેમાં સૌથી વધુ રસપ્રદ વિગતો ગાંધી પરિવાર વિશે હતી. માત્ર સાત ટકા લોકોએ રાહુલ ગાંધીને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા. અરવિંદ કેજરીવાલને વડા પ્રધાન તરીકે પાંચ ટકા લોકોએ પસંદ કર્યા હતા. સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને દરેકને ચાર ચાર ટકા મતો મળ્યા હતા જ્યારે પ્રિયંકા ગાંધીને રોકડા ત્રણ ટકા મતો મળ્યા હતા. હાલના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘને પણ ત્રણ ટકા મતો મળ્યા હતા. માયાવતી, અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, નીતિશ કુમાર અને નીતિન ગડકરીને દરેકને ફક્ત બે બે ટકા મતો મળ્યા હતા.
અત્યારે ચૂંટણી થાય તો એનડીએને 43 ટકા મતો સાથે 321 બેઠકો મળી શકે. માત્ર ભાજપની વાત કરીએ તો ભાજપને 37 ટકા મતો સાથે 291 બેઠકો મળી શકે એવું આ સર્વેના પરિણામોમાં જણાવાયું હતું.