નવા વર્ષથી ડીઝલની હોમ ડીલીવરી મળશે
નવી દિલ્હી, હવે એ દિવસો દૂર નથી જ્યારે કારમાં ડીઝલ પુરાવવા તમારે પેટ્રોલ પંપ પર જવાની જરૂર નહીં પડે. તમારી સોસાયટીમાં તમારા ઘરે બીજા સામાનની જેમ કાર માટે ડીઝલની પણ હોમ ડીલીવરી કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે નવા વર્ષથી આ યોજના શરૂ થઈ જશે. અધિકારીએ જણાવ્યુ કે દિલ્હી સહિત બીજા મેટ્રો સીટીમાં પાયલોટ પ્રોજેકટ શરૂ કરવા માટે પેટ્રોલીયમ તથા વિસ્ફોટક સુરક્ષા સંગઠન સાથે વાતચીત ચાલી રહી છે.
ડીઝલ કરતા પેટ્રોલ વધારે જ્વલનશીલ હોવાથી શરૂઆત ડીઝલથી થશે. રોડ અથવા ઘરની સામે કારમાં ડીઝલ નાખતી વખતે આગનું જોખમ રહે છે એટલે હોમ ડીલીવરી હાઉસીંગ સોસાયટીથી શરૂ કરવામાં આવશે કેમ કે ત્યાં ખાલી જગ્યા હોય છે. તે જગ્યાને લોઢાની જાળીથી ઘેરાબંધી કરીને પછી વાહનમાં ડીઝલ નાખવામાં આવશે. પૈસા પણ ત્યાં જ ચુકવવાના રહેશે. ડીઝલ બુક કરાવવા માટે ઓઈલ કંપનીઓ મોબાઈલ એપ તૈયાર કરશે. આ એપ પર તમારે પોતાનું નામ અને ડીઝલ ડીલીવરીઓનો સમય જણાવવાનો રહેશે.
એપ દ્વારા ગ્રાહક સપ્લાય વાનને ટ્રેક કરી શકશે સાથે સાથે સૂચનો પણ આપી શકશે. ઈન્ડીયન ઓઈલે મોટા ગ્રાહકો માટે મોબાઈલ ડીસ્પેન્સર દ્વારા ઘરે ડીઝલ પહોંચાડવાનું શરૂ કર્યુ હતું. તેને ‘ફયુઅલ એટ ડોર સ્ટેપ’ કહેવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમે મુંબઈમાં મોબાઈલ ડીલીવરી શરૂ કરી છે. તેમા ૨૦૦ લીટરથી વધારે ડીઝલ ખરીદી શકાય છે.