નવા વર્ષમાં રાજકીય ક્ષેત્રે ભારે ઉથલપાથલ થશે
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ જયારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ સાબિત થશે
કોરોના કાળ બાદ દિવાળીના પવિત્ર તહેવારોમાં તમામ ક્ષેત્રે ભારે તેજી જાેવા મળી છે સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ વર્ષના પ્રારંભ સાથે જ ભારે ગરમાવો આવી ગયો છે આગામી વર્ષ રાજકીય ક્ષેત્રે ભારે ઉથલપાથલ થાય તેવું સ્પષ્ટપણે મનાઈ રહયું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે
જયારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી માટે અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો જંગ સાબિત થવાનો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે મહિલા કાર્ડ ખેલી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી છે જયારે સામે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી કોંગ્રેસ ઉપર પ્રહાર કરી રહયા છે.
સમાજવાદી પાર્ટીમાં આંતરિક જૂથબંધીના કારણે મોટાભાગલા આગામી દિવસોમાં પડશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. વિપક્ષો રફાલનો મુદ્દો હવે પછીની ચુંટણીઓમાં ઉછાળશે તે વાત નકકી થઈ ગઈ છે. જયારે સામે ભાજપ પણ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો બતાવી ચુંટણી લડવા માટે મક્કમ છે.
વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે નવા વર્ષ તરફ નજર નાંખીએ તો આ વર્ષ રાજકીય રીતે ખૂબ જ હલચલવાળું રહેનાર છે. નવા વર્ષમાં ૭ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે આ ૭ રાજ્યો પર જેમની પકડ હશે તેઓ આસાનીથી ૨૦૨૪નાં દિલ્હી પર સત્તા મેળવી લેશે.
જે ૭ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમાંથી ૪ રાજ્યોમાં ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ વિધાનસભાની માર્ચ ૨૦૨૨માં ટર્મ પૂરી થાય છે. જ્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ટર્મ મે ૨૦૨૨માં પૂરી થાય છે. આમ ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવી પડે તેમ છે. જ્યારે ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ટર્મ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૨માં પૂરી થાય છે.
આ સંજાેગોમાં આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યોની ચૂંટણી સાથે વહેલી યોજાશે કે કેમ તે પ્રશ્ન છે. જાેકે રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે ગુજરાત અને ગોવાની ચૂંટણી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યો સાથે વહેલી નહીં યોજાય તેનું કારણ એ છે કે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે પોતાનું તમામ જાેર લગાવવું પડશે.
આ સંજાેગોમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુપી સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી સભાઓ સંબોધવાના હોય ત્યારે ગુજરાત અને ગોવામાં પણ તેમને ચૂંટણી પ્રચાર માટે જવું પડે તે ભાજપના ચૂંટણી રણનીતિકારોને માફક આવે તેવી વાત નથી. આ સંજાેગોમાં યુપી સાથે ગુજરાત, ગોવાની ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાય તે શક્યતા નહિવત છે. આ સંજાેગોમાં ગુજરાત, ગોવાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૨માં સમય મુજબ જ યોજાશે.
જ્યાં સુધી પાંચ રાજ્યોની ચૂંટણીનો સવાલ છે આ પાંચ રાજ્યોમાં ભાજપ માટે ઉત્તરપ્રદેશ ખૂબ મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ૪૦૩ બેઠકો છે અને ૮૦ જેટલી બેઠકો યુપીની લોકસભામાં છે. આ સંજાેગોમાં જાે ભાજપે ૨૦૨૪માં ફરી મોદી સરકાર દેશમાં બનાવતી હોય તો કોઈપણ સંજાેગોમાં યુપી જીતવું પડે.
આથી ભાજપ અત્યારથી જ યુપીમાં સક્રિય થઈ ગયું છે. વડાપ્રધાન મોદીની યુપીની મુલાકાતો પણ વધી ગઈ છે. યુપી જીતવા માટેનું ભાજપનું ટ્રમ્પકાર્ડ રામમંદિર છે. રામમંદિરનો શિલાન્યાસ થઈ ચૂક્યો છે અને હવે મંદિરનું બાંધકામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. દિવાળીના દિવસોમાં યુપી સરકારે અયોધ્યા જાણે સ્વર્ગ હોય તે રીતે શણગાર્યું હતું.
અયોધ્યાના સરયુ ઘાટ પર હજારો દીવાઓનો ઝગમગાટ અને અયોધ્યાના રસ્તાઓની કાયાપલટ તથા મંદિર તરફ જવાના માર્ગ પર કલાત્મક કમાનો ઊભી કરીને યુપીની યોગી સરકારે એક મેસેજ આપી દીધો છે કે ભાજપની સરકાર દેશમાં બની એટલે અયોધ્યામાં રામમંદિર શક્ય બન્યું છે.
રામમંદિરનું નિર્માણ હવે ચાલી રહ્યું ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એવું નિવેદન કર્યું છે કે અગાઉ અયોધ્યામાં કારસેવા કરવા આવનાર રામભક્તો પર ગોળીઓ છોડવામાં આવી હતી. હવે જે રામભક્તો અયોધ્યામાં આવશે તેઓ પર પુષ્પવર્ષા કરાશે.
યુપીના માથે જ્યારે ચૂંટણી તોળાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી યોગીનો સ્પષ્ટ સંદેશ એ છે કે યુપીમાં રામભક્તોની તરફેણ કરવા વાળી સરકાર છે. આવનારા દિવસોમાં પણ મંદિર કાર્ય ચાલુ રાખવું હોય તો આ જ સરકારને તમારે જીતાડવી પડશે.
યુપીમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ માટે ટકોર કરી હતી કે તેમણે પૂછો કે તમે રામ મંદિરના નિર્માણ માટે કેટલા રૂપિયાનું દાન કર્યું છે ? આ મેસેજ લાઉડ અને ક્લિયર હતો યુપીમાં રામ મંદિર ભાજપ બનાવે છે. ભાજપના પ્રતિસ્પર્ધીઓને રામ મંદિર બને તેમાં કોઈ રસ નથી. આમ યુપી જીતવાનો તખતો ભાજપે ગોઠવી દીધો છે.
યુપીમાં હાર ભાજપ માટે સહેજ પણ પોષય તેમ નથી. શરૂઆતમાં ભાજપશાસિત અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રીઓ બદલાયા તેમ યુપીમાં પણ મુખ્યમંત્રી બદલવાની હવા ચાલી હતી
પરંતુ સંઘના મોટા નેતાઓ પહેલીવાર યુપીમાં ગયા અને ત્યાની પરિસ્થિતિ થાળે પાળી. સંઘની આટલી સ્પષ્ટ રાજકારણમાં દખલ યુપીમાં પહેલીવાર જાેવા મળી. આમ જાેવા જઈએ તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંઘના સ્વયંસેવક નથી. તેમનો ક્ષેત્ર ગોરખપુરમાં તેમનું વર્ચસ્વ છે. ગોરખપુરમાં તેમણે યુવાનોની એક સેના બનાવીને વિધર્મીઓના અત્યાચાર સામે સાંસદ તરીકે લડત આપતા રહ્યાં હતાં.
મુખ્યમંત્રી બન્યાં પછી યોગી આદિત્યનાથે જે કડકાઈથી શાસન કરે છે અને ગુંડ મવાલીઓને જે રીતે જેલ બતાવી રહ્યાં છે તેનાથી સંઘના મોભીઓ ખુશ છે. અને સંઘે જ મેસેજ આપી દીધો હતો કે યોગીને હટાવા યોગ્ય નહીં રહે. આમ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભાજપે મુખ્યમંત્રી બદલ્યા પરંતુ યુપીમાં ભાજપને કોઈ ફેરબદલી પોષાય તેમ નથી.
યુપી ઉપરાંત પંજાબમાં જે રાજકીય ધમાલ થઇ અને કોંગ્રેસે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘને બદલ્યા છતાં પણ હજુ ધમાલ શાંત થઈ નથી. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજાેત સિદ્ધુને મુખ્યમંત્રી તરીકે ચરણજીતસિંઘને બેસાડ્યા તે વાત પસંદ આવી નથી ત્યાં કોંગ્રેસમાં ઉકળતો ચરુ છે.
બીજી બાજુ માજી કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન અમરિંદરસિંઘે નવા પક્ષની રચના કરી દીધી છે. આગામી દિવસોમાં ભાજપ પંજાબના રાજકીય ફેરફારોમાં લાભ શોધી રહ્યું છે.
અત્યારની હલચલ જાેતાં કેપ્ટન અમરિંદરસિંઘ સાથે ભાજપ હાથ મિલાવશે તે નક્કી વાત છે. ગોવામાં ૪૦ વિધાનસભાની બેઠકો છે. ભાજપનું આ ત્રણેય રાજ્યોમાં શાસન છે. આ સંજાેગોમાં આવનારા સમયમાં ભાજપે યુપી સહિત ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં પોતાનું શાસન જાળવી રાખવાનું છે. જ્યારે પંજાબમાં સત્તા કબ્જે કરવાનું લક્ષ્ય રહેવાનું છે.
૫ રાજ્યોની વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપે અત્યારથી ચોકઠા ગોઠવવા લાગ્યા છે. પ્રજાને સૌથી મોટો નડતો પ્રશ્ન મોંઘવારીનો છે. તાજેતરમાં જ યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો ભાજપ માટે લાલબત્તી સમાન છે. પેટા ચૂંટણીમાં પરિણામોથી એકવાત દેખાઈ રહી છે કે પ્રજા સરકારથી નારાજ છે.
પેટ્રોલ, ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યાં છે તેનાથી પ્રજા નાખુશ છે. ભાજપના મોભીઓ આ વાત સમજે છે અને એટલે જ હવે પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટે તે દિશામાં પગલાં લઇ રહી છે. વિપક્ષ ચૂંટણી માટે હજુ સજ્જ દેખાતું નથી. જાેઈએ પાંચ રાજ્યોમાં ભાજપ સાથે કેવી ટક્કર લે છે.