Western Times News

Gujarati News

નવીન પંચાયત ઘરો માટે ગ્રામ પંચાયતોને ૨૫ થી ૪૦ લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના પંચાયત  વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય

ગ્રામ પંચાયતો – તાલુકા પંચાયતો – જિલ્લા પંચાયતની  નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં માતબર વધારો કરતા મુખ્યમંત્રીશ્રી

Ø  ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી – કમ – મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ લોકોને સરળ બનશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એવી ગ્રામ પંચાયતોતાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધા યુક્ત કચેરીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરીત છે તેવી તેમ જ પંચાયત ઘર વિહોણી હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં માતબર વધારો કર્યો છે.

એટલું જ નહીંનવીન ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ મંત્રી આવાસ પણ બનાવીને ગ્રામીણ સ્તરે તલાટીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાનો પણ ગ્રામ્ય હિતકારી અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તદ્અનુસારરાજ્યમાં ૧૦ હજાર કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘર નિર્માણ માટે અગાઉ અપાતી ૨૭ લાખ રૂપિયાની યુનિટ કોસ્ટના સ્થાને રૂ. ૪૦ લાખની મહત્તમ મર્યાદા નિયત કરી છે. ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તી વાળા ગામોમાં આવા પંચાયત ઘરો બનાવવા માટેની મહત્તમ યુનિટ કોસ્ટ ૨૨ લાખના સ્થાને રૂ. ૩૪.૮૩ લાખ તેમજ ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામો માટે નવીન પંચાયત ઘર નિર્માણ માટે વધુમાં વધુ રૂપિયા ૧૭ લાખની સહાયના સ્થાને રૂપિયા ૨૫ લાખની સહાય રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટેની પ્રવર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરીને રૂપિયા ૩ કરોડ ૧૦ લાખને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બે માંથી જે ઓછું હોય તે રકમની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત કચેરીઓના મકાનના બાંધકામ માટેની યુનિટ કોસ્ટમાં પણ વધારો કર્યો છે. જિલ્લા પંચાયતને તેના નવીન મકાનના નિર્માણ માટે ૩૮ કરોડ રૂપિયાને બદલે બાવન કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પરિણામે ગ્રામીણ સ્તરથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સરળતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે.

મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયો અંગે પંચાયતગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિધિવત ઠરાવો પણ જારી કરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.