નવીન સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓ થકી સાંપ્રા ગામના યુવા ખેલાડીઓને કૌશલ્યવર્ધનની વિપુલ તકો મળશે : દિલીપકુમાર ઠાકોર
સરસ્વતી તાલુકાના સાંપ્રા ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે સ્પોર્ટ્સ સંકુલના નવીન પ્રકલ્પનો ખાતમૂર્હૂત સમારોહ સંપન્ન
CSR અંતર્ગત એમ.જી. મોટર્સ દ્વારા યુવા ખેલાડીઓ માટે રૂ.૨૦ લાખના ખર્ચે નિર્માણ પામશે આધુનિક સુવિધાઓયુક્ત સ્પોર્ટ્સ સંકુલ
માહિતી બ્યુરો, પાટણ : સરસ્વતી તાલુકાના સાંપ્રા ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે નવીન સ્પોર્ટ્સ સંકુલનો ખાતમૂર્હૂત સમારોહ યોજાયો. સાંપ્રા ગામે રમતગમતના મેદાન પાસે યુવા ખેલાડીઓને સુવિધા પુરૂ પાડવા રૂ.૨૦ લાખના ખર્ચે આગામી ત્રણ માસમાં સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ સાંપ્રાની રમતવીર દિકરીઓએ ગામનું અને પાટણ જિલ્લાનું નામ રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજતુ કર્યું છે. વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસની તક આપવામાં આવે તો તે આતંરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ છે. ત્યારે ખાનગી કંપનીના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તે માટે જરૂરી સુવિધાઓયુક્ત સ્પોર્ટસ સંકુલ તૈયાર કરવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે બેટી બચાઓ-બેટી પઢાઓ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યની દિકરીઓના વિકાસની ઉજળી તકો પુરી પાડી. રાજ્યના યુવાધનમાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવા ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. રમતગમત માટે માર્ગદર્શન, સાધનો અને ગુણવત્તાયુક્ત પૌષ્ટીક આહાર સહિતની સુવિધા પુરી પાડીને રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓની ક્ષમતાઓ પારખી તેમને આગળ વધાવાની તક પુરી પાડવામાં આવી છે. આ નવીન સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓ થકી સાંપ્રા ગામના યુવા ખેલાડીઓને કૌશલ્યવર્ધનની વિપુલ તકો મળશે.
નવીન સ્પોર્ટ્સ સંકુલના ખાતમૂર્હૂત પ્રસંગે ઉદબોધન કરતાં મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે દિકરીઓને રમતગમત ક્ષેત્રમાં આગળ વધારવા તેમને હિંમત અને પીઠબળ પુરૂ પાડવા વાલીઓને અપીલ કરી હતી. સાથે જ મંત્રીશ્રીએ યુવા ખેલાડીઓ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે સ્થિત એમ.જી.મોટર્સ પ્લાન્ટના એચ.આર.ડાયરેક્ટરશ્રી યશવિન્દર પટીયાલે કંપનીમાં ૩૦ ટકા મહિલાઓને રોજગારી આપવા સાથે કંપનીના કમ્યુનિટી ડેવલપમેન્ટ ઈનિશીએટીવ અંગે માહિતી આપી સ્પોર્ટ્સ સંકુલ માટે પ્રેરણા આપવા બદલ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી અંતર્ગત ફંડમાંથી એમ.જી.મોટર્સ દ્વારા રૂ.૨૦ લાખના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવનાર છે.
ખાતમૂર્હૂત વિધિ બાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંપ્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવા ખેલાડીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી લવિંગજી ઠાકોર, તાલુકા સંગઠન પ્રમુખશ્રી સોહમજી ઠાકોર, પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખેર, તાલુકા પંચાયતના ડેલીગેટશ્રી સહિતના આગેવાનો, સાંપ્રા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.