Western Times News

Gujarati News

નવી ઉર્જા-નવા સંકલ્પો પ્રદાન કરવાના આશયથી જિલ્લા કલેકટરોની સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યના વિકાસ માટે તથા પ્રજાકીય કામગીરીમાં સુચારુ અભિગમ અપનાવી કાર્યરત રહેવા મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથને માર્ગદર્શન પુરૂ પાડ્યું

મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સરકારની યોજનાઓ અને મહત્વના રાષ્ટ્રીય પ્રોજેક્ટસના અમલીકરણ માટે સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું.

રાજ્યના જિલ્લા કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગર ખાતે યોજવામાં હતી. વિવિધ જિલ્લાઓમાં મહેસુલ વિભાગ અને પંચાયત વિભાગ હસ્તકની કામગીરીની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.

રાજ્યના પ્રશાશકીય માળખાને નવી ઉર્જા-નવા સંકલ્પો પ્રદાન કરવાના આશયથી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથને આ બેઠકમાં ઉપસ્થિત રહી કલેકટરશ્રીઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને રાજ્યના વિકાસ માટે તથા પ્રજાકીય કામગીરીમાં સુચારુ અભિગમ અપનાવી કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે સરકારશ્રીની વિવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓ, સહાય યોજનાઓ, વિકાસ યોજના, રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ વગેરે સબંધે કલેકટરશ્રીઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની સક્રિય ભૂમિકા માટે આહ્વાન કર્યું હતું.

રાજ્યના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર ચાવીરૂપ ભૂમિકા ધરાવે છે તેવો મત વ્યક્ત કરી મુખ્ય સચિવશ્રીએ જનતાના કામો સકારાત્મક દૃષ્ટિકોણથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.

જનતાની અરજીઓના નિકાલ માટે ઉપયોગી એવી આઇ.આર.સી.એમ.એસ. એપ્લીકેશન, રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સિસ્ટમ, આઇઓરા સોફ્ટવેર એપ્લીકેશનથી થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા આ સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. આ અંગે વિસ્તૃત માર્ગદર્શન મહેસુલ વિભાગનાઅધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીએ આપ્યું હતું.

વહીવટી હુકમ-૩, જમીન સંપાદન, સર્વે સેટલમેન્ટ તથા માપણી, સ્ટેમ્પ ડયુટી તથા નોંધણી વિષયક બાબતો સહિત મહેસૂલી કાર્યક્ષેત્રને સ્પર્શતા તમામ મુદ્દાઓની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. સરકારના વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

બેઠક દરમ્યાન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ કોવિડ -૧૯ મહામારીની વર્તમાન સ્થિતિ, રસીકરણ સહિતની આરોગ્ય વિષયક બાબતોની તથા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડના સી.ઈ.ઓ.એ જી.આઇ.ડી.બી. અંતર્ગત રાજ્યના અગત્યના પ્રોજેક્ટ્સ અને પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ પણ અધિકારીગણને વિવિધ મુદ્દાઓ સંબંધિત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.