Western Times News

Gujarati News

નવી ચલણી નોટોના કાળાં બજાર થતાં રોકવા પગલાં લેવા માગણી

૧૦, ર૦ અને પ૦ રૂપિયાની નવી નોટોના બંડલ મેળવવા લોકોની દોડાદોડ

(એજન્સી)અમદાવાદ, દિવાળી અને નૂતન વર્ષના તહેવારો હવે શરૂ થઈ ગયા છે ત્યારે રૂ.૧૦, ર૦ અને પ૦ની નવી નોટોના બંડલ અચાનક જ શહેરના બજાર કે બેન્કમાંથી ગાયબ થઈ ગયા છે. નવી નોટોના બંડલ બેન્કમાંથી સરતાપૂર્વક મળી રહે તેવી આગોતરી વ્યવસ્થા કરાવી જોઈએ તેવી બેન્ક ખાતેદારો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.

રૂ.૧૦ની નવી નોટોનું સ્થાન હવે દસના સિક્કાઓએ લીધું છે. જે કોઈને બોણીમાં આપવામાં સારું લાગતું નથી. બેન્કમાંથી પણ ૧૦ રૂપિયાની નોટનું બંડલ પરાણે મળે છે અને તે પણ જૂની મોટોનું હોય છે. અત્યારે તો દિવાળી અને નવા વર્ષે નવી ચલણી નોટો અને ખાસ તો રૂ.૧૦, ર૦, પ૦ તથા રૂ.૧૦૦ના બંડલની માંગ વધી છે. લોકો બેન્કમાં નવી નોટોના બંડલ માટે ધક્કા ખાઈ રહ્યા છે તો કેટલાક કયાંક કયાંકથી લાગવગનો ઉપયોગ કરીને નવી નોટો મેળવવા માટે દબાણ કરી રહ્યા છે.

દિવાળીના તહેવારો ઉપર ચલણી સિક્કાની જગ્યાએ ૧૦, ર૦, પ૦ જેવી નવી નોટોના બંડલ બેન્કમાંથી સરળતાથી મળી રહે તેવો ગ્રાહકો આગ્રહ રાખી રહ્યા છે. તહેવારો ઉપર ભૂતકાળમાં બેન્કમાંથી આ રીતની વ્યવસ્થા કરવામાં આવતી હતી, બીજી તરફ ઘણા સમયથી શહેરની બેન્કોમાંથી નોટોની જગ્યાએ સિક્કા આપવાની સરકારે પ્રથા પાડી છે પણ દિવાળીના તહેવારમાં નવી નોટો મળતી નથી.

દેશમાં ચલણી સિક્કાનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ સ્વતંત્ર ભારતનો પહેલો ચલણી સિક્કો ૧૯પ૦ની ૧પ ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં બ્રિટનના રાજાની મહોરના બદલે અશોક સ્તંભ અને મકાઈના બે ડોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં દેશમાં નિકલ ધાતુ વડે ચલણી સિક્કા બનાવવામાં આવતા હતા. સમયાંતરે તેમાં વિવિધ ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા થોડ વર્ષોથી સ્ટેનલેસ સ્ટીલ અને કુપ્રો-નિકલના સિક્કા બનાવવામાં આવે છે.

નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં હાજર કુલ ચલણમાં રૂ.પ૦૦ની મૂલ્યની નોટોનો હિસ્સો માર્ચ ર૦ર૪ સુધીમાં ૮૬.પ હતો. ૩૧ માર્ચ ર૦ર૪ સુધીમાં રૂ.પ૦૦ની નોટોની મહત્તમ સંખ્યા પ.૧૬ લાખ અÂસ્તત્વમાં હતી જ્યારે રૂ.૧૦ની નોટ ર.૪૯ લાખની સંખ્યા સાથે બીજા ક્રમે હતી. બજારમાં ઓછા મૂલ્ય એટલે કે, રૂ.૧૦,ર૦ અને પ૦ની નોટોની ભારે અછત છે જેના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવાળી સમયે જ નવી ચલણી નોટોની માંગ વધી જતી હોય છે. નવી કડકડતી નોટો લેવા માટે લોકોની લાઈન લાગે છે. નવી નોટોની ભારે માંગ રહેતી હોવાથી તેના કાળા બજાર થઈ રહ્યા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. પૂજામાં મૂકવા તેમજ દિવાળીએ આવતા સગા-સંબંધીઓને આપવા માટે નવી ચલણી નોટોની ડિમાન્ડ રહેતી હોય છે

જેના પગલે દિવાળીએ બેન્કોમાં નવી નોટો લેવા માટે ધસારો રહે છે. આરબીઆઈએ દરેક બેન્કમાંથી નવી ચલણી નોટોનું વિતરણ દિવાળીના ૧પ દિવસ પહેલાં કરી દીધું છે પરંતુ બેન્કોએ હજુ સુધી નવી નોટોનું વિતરણ શરૂ કર્યું નથી. દિવાળીમાં નવી ચલણી નોટોની ડિમાન્ડ વધારે રહેતા ઉંચા ભાવ વસૂલાય છે જ્યારે ડિમાન્ડ વધારે હોય ત્યારે ભાવ બમણાં થઈ જતાં હોય છે.

રૂ.૧૦ની નોટના બંડલનો રપ૦થી ૩૦૦, રૂ.ર૦ની નોટના બંડલનો ર૦૦થી ર૭પ, રૂ.પ૦ની નોટના બંડલનો ૧૦૦થી ૧પ૦ અને રૂ.૧૦૦ની નોટના બંડલનો ૧૦૦થી ૧પ૦ ભાવ ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.