નવી દિલ્હીમાં ચાલુ બસમાં મહિલા કોન્સ્ટેબલની છેડતી
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચાલુ બસમાં એક ૨૫ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલની કથિત છેડતી કરવામાં આવી હતી. એટલું જ નહીં, મહિલા પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. દિલ્હીના પોલીસ અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. પીસીઆર શાખામાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલ પોતાની ફરજ પર જઈ રહી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી કોન્સ્ટેબલ સાથે ક્લસ્ટર બસમાં ચઢ્યો હતો અને મહિલા કોન્સ્ટેબલની પાછળ ઊભો રહી ગયો હતો. જે બાદમાં તેણે મહિલા કોન્સ્ટેબલને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.
કોન્સ્ટેબલે જ્યારે આ અંગે વિરોધ કર્યો તો આરોપીએ તેણી પર હેલ્મેટથી હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલામાં મહિલા કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે આરોપી બસમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. કોન્સ્ટેબલને દીન દયાલ ઉપાધ્યાય હૉસ્પિટલમાં લાવવામાં આવી છે.
હાલ તેણીની તબિયત સ્થિર છે. પોલીસનું કહેવું છે કે બસમાં હાજર કોઈ વ્યક્તિ મહિલા કોન્સ્ટેબલની મદદ માટે આવી ન હતી. એટલે સુધી કે બસના ડ્રાઇવર અને માર્શલે પણ મદદ કરી ન હતી. ડ્રાઇવરનું કહેવું છે કે આ ઘટના બસની બહાર બની હતી. દ્વારકા પોલીસ નાયબ કમિશનર સંતોષ કુમાર મીણાએ જણાવ્યું કે, “કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડી લેવા માટે પ્રયાસો શરૂ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાના સરકારના દાવાઓ વચ્ચે પણ અપરાધની ઘટનાઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી સરકારે મહિલાઓ પર થતા અપરાધને ધ્યાનમાં રાખીને જ બસોમાં માર્શલ રાખ્યા છે. જાેકે, દિલ્હીમાં કોન્સ્ટેબલ સાથે જે બનાવ બન્યો છે
તેમાં માર્શલ અને ડ્રાઇવરે કોઈ મદદ ન કરી હોવાથી આ વ્યવસ્થા પર અનેક સવાલ ઊઠી રહ્યા છે. અમદાવાદ શહેરમાં યુવતીને તેના પૂર્વ પ્રેમીએ જાહેરમાં ફેંટ મારી હોવાનો બનાવ તાજેતરમાં નોંધાયો હતો. યુવતીએ પ્રેમ સંબંધ તોડી દેતા પ્રેમમાં પાગલ યુવકે પકવાન ચાર રસ્તા નજીક યુવતીને ગંદી ગાળો આપી હતી. ‘જાે તું મારી સાથે વાત નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ,’ એવી ધમકી આપીને યુવક યુવતીના મોઢાના ભાગે ફેંટ મારીને ફરાર થઈ ગયો છે. સિંધુ ભવન રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતી એક યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીની ફરિયાદ પ્રમાણે તેણી અગાઉ જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બાદમાં યુવતીએ અહીંથી નોકરી છોડીને અન્ય જગ્યાએ નોકરી શરૂ કરી હતી. છેલ્લા ચારેક મહિનાથી આરોપી યુવતી જ્યાં પણ રસ્તામાં મળે ત્યાં તેને મનફાવે તેમ બોલીને હેરાન પરેશાન કરતો હતો.