નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે, એક જ અરજીમાં તમામ કામ થશે
અમદાવાદ : રાજયભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતી કરાવી શકાશે, તેવો મહત્વનો નિર્ણય રાજયના મહેસુલ વિભાગે કર્યો છે. નવી શરતની જમીનને પંદર વર્ષનો સળંગ કબ્જો-વાવેતરની તમામ નોંધો-શરતભંગ થઇ ન હોય તેવા પ્રકારની નવી શરતની જમીનના આસામીઓને લાભ મળશે. નવી શરતની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારો જુની શરતમાં જમીન ફેરવી શકશે. જો બિનખેતી કરાવવા માંગતા ન હોય તો!
આ સિસ્ટમ પણ ચાલુ રાખવામાં આવી છે. પરંતુ બંને પ્રકારની અરજીઓ માત્રને માત્ર ઓનલાઇન જ કરવાની રહેશે. નવી શરતની જમીનને બિનખેતીમાં તબદીલ કરવા માટે જુની શરતમાં ફેરવવાની તેમજ બિનખેતી કરાવવાની આમ બંને અરજીઓ એક સાથે થઇ શકશે. આ નવા નિર્ણયથી આસામીઓનો સમય-નાણાનો મોટો બચાવ થશે.
ગુજરાત રાજયના મહેસુલ ખાતાએ મહેસુલી કાયદા વધુ સરળ બનાવ્યા છે. આસામીઓની હાલાકી ઘટે તે માટે હવે નવી શરતની જમીનને સીધી બિનખેતીમાં ફેરવવા માટેની અરજી કરી શકાશે. જિલ્લા તંત્ર દ્વારા આવી અરજીઓના આધાર, પુરાવાઓ મેળવી જુની શરતનું બિનખેતી હેતુને પાત્ર પ્રિમીયમ અને બીનખેતીનો રૂપાંતર કર એક સાથે વસુલતો હુકમ કરી જમીનને બીનખેતી કરી આપશે.
દરમ્યાન રાજયભરના જિલ્લા કલેકટરોને આ નવી પઘ્ધતિની અમલવારી મુદ્દે રાજય સરકારે ૨૨ નવેમ્બર ગાંધીનગર તેડુ કર્યુ છે. મહાત્મા મંદિર ખાતે વર્કશોપ યોજી સમજ અપાશે.
આ વર્કશોપમાં પ્રિમીયમ હેતુફેર, બિનખેતી, બોજા નોંધ, વારસાઇ ઓનલાઇન, બોજા મુકિત સહિતની અડધો ડઝન કામગીરી કે જે સરકારે ઓનલાઇન કરી છે તેની વિસ્તૃત સમજ અપાશે. આ વર્કશોપમાં સોફટવેર કંપનીના ઇજનેરો-નિષ્ણાંતો હાજર રહી સિસ્ટમ અંગેની સમજ આપી, સવાલ-સમસ્યા સામે આવે તો નિકાલ કેમ કરવો? તેનુ માર્ગદર્શન આપશે. નવી શરતની જમીનને હવે સીધી બિનખેતી કરાવી શકાશે.