Western Times News

Gujarati News

નવી ૪પ૦ બસો દોડાવવા જાહેરાત પરંતુ આવકમાં કોઈ વધારો નહિ

એએમટીએસ સુધારા બજેટમાં “ફ્રી” પાસ નો વ્યાપ વધારવામાં આવ્યો: સીનીયર સીટીઝન્સની વયમર્યાદા ૬પ વર્ષ કરવામાં આવી: ટ્રા. ચેરમેનના ડ્રાફટ બજેટની કેટલીક દરખાસ્તો કોપી પેસ્ટ થઈ હોવાની ચર્ચા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે રૂા.પ૩૬.૧૪ કરોડના બજેટને કમીટી દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ છે નવા નાણાકીય વર્ષમાં સંસ્થાની આવક વધારા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યા નથી પરંતુ નાગરીકો જાહેર પરિવહન સેવાનો મહતમ ઉપયોગ કરે તે માટે “ફ્રી” પાસ નો વ્યાપ વધારવામાં આવ્યો છે જયારે આવકમાં વધારો કરવા માટે કોઈ જ વિચારણા કરવામાં આવી નથી.

મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે ટ્રાન્સ. મેનેજર દ્વારા રજુ કરવામાં આવેલા રૂા.પર૯.૧૪ કરોડના ડ્રાફટ બજેટમાં ટ્રાન્સપોર્ટ કમીટી દ્વારા રૂા.સાત કરોડના સુધારા કરવામાં આવ્યા છે. મેયર કીરીટભાઈ પરમાર અને ટ્રાન્સપોર્ટ કમીટી ચેરમેન વલ્લભભાઈ પટેલના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા ૭પ કે તેથી વધુ વયના સીનીયર સીટીઝન્સને ફ્રી પાસ આપવામાં આવે છે તથા ૬પ કે તેથી વધુ વર્ષના નાગરીકોને પ૦ ટકા રાહત આપવામાં આવે છે.

નવા નાણાકીય વર્ષમાં ૭પ ના બદલે ૬પ કે તેથી વધુ વયના નાગરીકોને ફ્રી પાસ સેવા આપવામાં આવશે. મ્યુનિ. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કુલે આવવા-જવા માટે ફ્રી પાસ ની સગવડ આપવામાં આવશે તેવી જ રીતે ખાનગી શાળામાં ભણતા જે વિદ્યાર્થીના માતા-પિતાના મૃત્યુ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પણ ફ્રી પાસ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી સંસ્થા દ્વારા સ્વ- માલિકીની પ૦ બસો ખરીદ કરવામાં આવશે. તમામ પ૦ બસોને એસ.પી. રીંગરોડ પર દોડાવવામાં આવશે. સંસ્થા દ્વારા ૪પ૦ જેટલી નવી બસો મેળવીને વધુ ફ્રીકવન્સી પુરી પાડવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી જમાલપુર ઓફીસ બિલ્ડીંગમાં સોલાર પેનલ લગાવવા રૂા.ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવશે જયારે નવરંગપુરા ટર્મીનલને ડેવલપ કરવા માટે રૂા.એક કરોડની જાેગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટ ચેરમેને ડ્રાફટ બજેટમાં રૂા.૧૩૦ કરોડની આવકનો અંદાજ રજુ કર્યો હતો જેમાં વધારો થાય તે માટે કમીટી તરફથી કોઈ સુચન કરવામાં આવ્યા નથી.

ડ્રાફટ બજેટમાં પ૦ ઈલેકટ્રીક બસ તથા એસ.પી. રીંગ રોડ પર બસો દોડાવવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેમજ કમીટીના સુધારા બજેટમાં રીપીટ કરવામાં આવી છે તેવી જ રીતે મોબાઈલ એપથી ટિકિટીંગ માટેની દરખાસ્તને પણ કમીટી ચેરમેને દોહરાવી છે. નવરંગપુરા ટર્મીનસ પર જાહેરાતની આવક માટેના અંદાજની ગણત્રી કરવાનું ચેરમેન ભુલી ગયા છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા સહેજાદખાને એએમટીએસ સુધારા બજેટનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે રૂા.પ૩૬ કરોડના ખર્ચની સામે સંસ્થાની આવક માત્ર રૂા.૧૩૦ કરોડ જ દર્શાવવામાં આવી છે.

મતલબ કે ભાજપના ચેરમેને સંસ્થાની ખોટ ઓછી કરવા માટે રસ નથી. ભુતકાળમાં એક હજાર બસો દોડાવવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે પરંતુ તેના માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યા નથી સંસ્થાએ આવક વધારી ખોટ ઘટાડવા તરફ વિચાર કરવો જરૂરી છે અન્યથા એએમટીએસ એટલે “કોન્ટ્રાકટરો દ્વારા” અને “કોન્ટ્રાકટરો માટે” ચાલતી સંસ્થાના જે આક્ષેપો થઈ રહયા છે તે સાચા સાબિત થઈ રહયા છે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.