નવેમ્બરથી અમદાવાદ-મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે
મુંબઈ, ભારતીય રેલવેમાં ખાનગીકરણની શરૂઆત થઈ છે. જેના શ્રી ગણેશ તેજસ ટ્રેન દ્વારા થયા છે. અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર ખાનગી તેજસ દોડશે, આ ટ્રેનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આગામી નવેમ્બર માસમાં રાજ્ય સરકારના હસ્તે તેનું લોકાર્પણ કરી મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.
અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન ૨૦૦ કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ ,વડોદરા, ભરૂચ, વાપી ,સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન આઈઆરસીટીસી કરશે. તેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરુવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.
તેજસ ટ્રેન ૬-૩૦ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે. અમદાવાદથી રોજ સવારે ૬ઃ૪૦ કલાકે ઉપડશે અને ૧૩ ઃ૧૦ વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે, ત્યાર બાદ મુંબઈથી ૧૫ઃ૪૦ કલાકે ઉપડીને ૨૧ઃ૫૫ કલાકે અમદાવાદ ખાતે પહોંચશે. ટ્રેનનું બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી થશે. શતાબ્દી રાજધાની ટ્રેનની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે. ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન મળશે નહીં. આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટીકીટ ફરજિયાત લેવામાં આવશે. આઈઆરસીટીસી દ્વારા નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપની સુવિધા આપશે.આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે. તેમજ આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ પણ જોવા મળશે. આ ઉપરાંત ૨૦ લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે. ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ, લાયબ્રેરી સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેન નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે.