નવ દેશોએ કોરોનાની ભારતીય રસી માગી
નવી દિલ્હી, ભારત સરકાર 16મી જાન્યુઆરીથી ઘરઆંગણે કોરોનાના રસીકરણનો આરંભ કરવાની છે ત્યારે ઓછામાં ઓછા નવ દેશોએ ભારતની કોરોના રસીની માગણી કરી હોવાની જાણકારી મળી હતી.
આ નવ દેશોમાં બ્રાઝિલ, મોરોક્કો, સાઉદી અરેબિયા, મ્યાંમાર, બાંગ્લા દેશ, દક્ષિણ આફ્રિકા, ભૂતાન વગેરેનો સમાવેશ થતો હતો. સરકારી સૂત્રોના કહેવા મુજબ ભારત પહેલાં બાંગ્લા દેશ, ભૂતાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોને કોરોના રસી આપવાની બાબતને અગ્રતા આપશે. વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એવો દાવો કર્યો હતો કે ભારત પહેલેથી કોરોના મહામારી કાળમાં સૌને સહકાર આપવા તત્પર રહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યા મુજબ ભારતમાં બે કોરોના રસીને મંજૂરી આપવામાં આવી હતી. વાસ્તવમાં ભારતમાં ત્રણ કંપની રસી બનાવી રહી હતી. એમાંની બેને ભારતમાં રસીકરણ માટે પસંદ કરવામાં આવી હતી. આ બે રસી કોવીશીલ્ડ અને કોવેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે જરૂરી પરવાનગી આપી દેવામાં આવી હતી. વડા પ્રધાને જણાવ્યા મુજબ અગાઉ ભારત પીપીઇ કીટ, માસ્ક, વેન્ટિલેટર અને ટેસ્ટિંગ કીટ આયાત કરતું હતું. હવે આ બાબતમાં ભારત આત્મનિર્ભર બની ગયું હતું.
ભારતીય રસી માગનારા દેશોએ ગવર્ન્મેન્ટ ટુ ગવર્ન્મેન્ટ (જીટુજી)ના આધારે વેક્સિન ડેવલપર્સ સાથે સીધી લેવડદેવડની માગણી કરી હતી. એકલા નેપાળે રસીના 12 મિલિયન ડૉઝની માગણી કરી હતી. પૂણે (મહારાષ્ટ્ર)ની સિરમ ઇન્સ્ટીટ્યુટમાં તૈયાર થઇ રહેલી રસીના એક મિલિયન ડૉઝની માગણી ભૂતાને કરી હતી. મ્યાંમારે રસી ખરીદવા માટે ભારત સાથે ખાસ કરાર કર્યા હતા. તો બાંગ્લા દેશે 30 મિલિયન ડૉઝની માગણી કરી હતી. માત્ર એશિયન દેશની વાત નથી, છેક આફ્રિકા સુધીના દેશોએ રસી માટે ભારતનો સંપર્ક સાધ્યો હતો. આમ ભારત કોરોનાની રસીનો એક મહત્ત્વનો નિકાસકાર દેશ પણ બની શકે છે.