નવ મહિના બાદ હવે તારક મહેતામાં નટુકાકાની વાપસી
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય કલાકાર પૈકીના એક એટલે ઘનશ્યામ નાયક. તેઓ સીરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવે છે. લાંબા સમયથી શોમાંથી ગાયબ નટુકાકા આખરે સેટ પર પરત ફર્યા છે. કોરોના મહામારી અને સર્જરીના કારણે તારક મહેતાથી લગભગ ૯ મહિના દૂર રહ્યા બાદ ઘનશ્યામ નાયક સેટ પર પરત ફર્યા છે. ઘનશ્યામ નાયકે સેટ પર પરત ફરવાની ખુશી વ્યક્ત કરી છે. તો નટુકાકાને પરત આવેલા જાેઈને જેઠાલાલ ગેલમાં આવી ગયા છે. ઘનશ્યામ નાયકે કહ્યું, મારી તબિયત હવે સારી છે.
મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. મેં છેલ્લે ૧૬ માર્ચે શો માટે શૂટિંગ કર્યું હતું અને હવે ૧૬ ડિસેમ્બરે ફરીથી શૂટિંગ શરૂ કર્યું છે. એક્ઝેટ ૯ મહિના બાદ હું સેટ પર પાછો આવ્યો છું. હા, મારો ટ્રેક ફરીથી પાછો આવશે અને એક-બે દિવસમાં તેના એપિસોડ પણ પ્રસારિત થશે. લોકડાઉન પછી શૂટિંગ શરૂ થયું ત્યારે ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના કલાકારોને કામ કરવા માટે પ્રતિબંધ મૂકાયો હતો. તે હટ્યા બાદ મારી મેજર સર્જરી થઈ હતી.
ઓપરેશન સફળ રહ્યું અને હાલ મારું સ્વાસ્થ્ય સારું છે. હાલમાં શૂટ કરેલા સીન વિશે ઘનશ્યામ નાયકે જણાવ્યું, મેં બાઘા અને જેઠાલાલ સાથે ફોન કટ સીનનું શૂટિંગ કર્યું છે. સીન સારો રહ્યો અને સૌ એ જાેઈને ખુશ હતા. ૯ મહિના પછી શૂટિંગ કરવા મળતા મારો આનંદ સમાતો નહોતો. હું ખુશી અને તાજગી અનુભવી રહ્યો હતો અને હવે વધુ સીન શૂટ કરવા માટે આતુર છું.
પ્રોડક્શન હાઉસ એક્ટર્સનું જે પ્રકારે ધ્યાન રાખે છે તેનાથી ઘનશ્યામ નાયક સંતુષ્ટ છે. તેમણે પ્રોડક્શન હાઉસની પ્રશંસા કરતા કહ્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કલાકારોનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. બધા જ પ્રોટોકોલનું પાલન થાય છે અને સેફ્ટીના માપદંડોનું પણ ચોક્કસ પાલન થાય છે. અમને પ્રોડક્શન હાઉસ દ્વારા પિક અપ અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવે છે. આ શોનું ૧૩મું વર્ષ છે અને આજે પણ ખૂબ સારો ચાલી રહ્યો છે.
અમારા શોની સફળતા પાછળનું એક કારણ હું માનું છું પ્રોડ્યુસર આસિત મોદીજી છે કારણકે તેઓ ખૂબ સારા વ્યક્તિ છે. સેટ પર એક વ્યક્તિ પણ એવી નહીં હોય જેનું પેમેન્ટ સમયસર ના થતું હોય. તેઓ સુનિશ્ચિત કરે છે કે દરેક આર્ટિસ્ટને સમયસર રૂપિયા મળી જાય.