નવ વર્ષથી આ જગ્યાએ કચરો ડમ્પ કરાતો હતો, હવે થઈ બોપલ-ઘુમા ડમ્પ સાઈટની કાયાપલટ
આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઈકોલોજી પાર્ક જાહેર જનતાને અર્પણ કરી પાર્કમાં વૃક્ષારોપણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાર્કના વિકાસથી આસપાસના વિસ્તારના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેમજ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.
AMCની હદમાં ભેળવાયેલા બોપલ-ઘુમા વિસ્તારની ડમ્પ સાઇટ પર એકત્ર થયેલા લીગાસી વેસ્ટનો નિકાલ કરી ખુલ્લી કરાયેલી જમીન પર બારેમાસ હરિયાળી રહે તેવો એક આકર્ષક ઇકોલોજિકલ પાર્ક કહો કે, ગાર્ડન પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો હતો.
લીલાછમ વૃક્ષો, ફૂલોના છોડ, વિશાળ તળાવ અને બ્રિજ સાથેનું લેન્ડસ્કેપ, ઓપન જિમ એરિયા, બાળકો માટેનો પ્લેએરિયા અને વોકવે સહિતની સુવિધાથી ભરપૂર આ ઇકોલોજિકલ પાર્કનો સીધો લાભ બોપલ-ઘુમાના ત્રણ લાખથી વધુ નાગરિકોને પ્રાપ્ત થશે.
બોપલ-ઘુમા નગરપાલિકા દ્વારા ૫૦ હજારથી વધારે રહેણાક અને કોર્મિશયલ એકમોમાંથી દૈનિક ધોરણે નીકળતા અંદાજિત ૮૧ મેટ્રિક ટન ઘન કચરાને એકત્રિત કરી નવા ઇસરોની બાજુમાં વોર્ડ નં. ૩ બોપલ પાસેથી ૬.૫ એકર ખુલ્લી જગામાં છેલ્લા નવ વર્ષથી કચરો ડમ્પિંગ કરવાની કામગીરી કરવામાં આવતા અઢી લાખ મેટ્રિકટન જેટલો કચરો આ જગાએ એકત્રિત કરવામાં આવ્યો હતો.