Western Times News

Gujarati News

નશામાં ધૂત પોલીસ જવાને સોસાયટી માથે લીધી

અમદાવાદ: અમદાવાદઃ સાબરમતી ધરમનગરમાં મંગળવારે મધરાત્રે ખાખીએ ખાખીને લજવ્યાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ રાજ્ય સરકારની દારૂબંધી, લોકોની સુરક્ષા અને અનલોક-૧ના કરફ્યુ સહિત અનેક મુદ્દાઓ પર સવાલ ઊભા કર્યા છે. સાબરમતીના ધરમનગરમાં નશામાં ધૂત કોન્સ્ટેબલ મહિલા સાથે વેપારીના ઘરમાં ઘૂસ્યો હતો. અવાજ થતા જાગી ગયેલા વેપારીની માતા,ઘરના સભ્યો અને સ્થાનિક લોકોએ ઘરમાંથી બહાર જતા અજાણ્યા પોલીસ જવાન અને મહિલાને પકડી લીધા હતા.
સાબરમતી પોલીસે પ્રોહિબીશનના કાયદા મુજબ, પોલીસ જવાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. કારમાં આવેલા પોલીસ જવાનની કાર પાસેથી દારૂની ખાલી બોટલ પણ પડી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાબરમતીના ધરમનગરમાં વિસ્તારમાં રહેતા વેપારી ધનેશકુમારની માતા મંગળવારે પરોઢે ગત તારીખ ૨૩મીના રોજ ઘરના કમ્પાઉન્ડના બાથરૂમ પાસે અવાજ થતાં જાગી ગયા અને પૌત્રને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ જાયું તો, ઘરના કમ્પાઉન્ડના બાથરૂમ પાસેથી એક મહિલા અને ખાખી કપડા પહેરેલો અજાણ્યો પુરુષ બહાર જતા હતાં. ચોર સમજી સ્થનિકોએ પુરુષને પકડયો પણ મહિલા ભાગી છૂટી હતી, જો કે બાદમાં તેને પણ લોકોએ પકડી પાડી હતી અને પોલીસને જાણ કરી હતી.

નશામાં ધૂત ખાખી કપડા પહેરેલ શખ્સે પોતે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ કલ્યાણસિંહ ચાવડા (રહે, શાહીબાગ પોલીસ લાઈન) હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ આઈકાર્ડ માંગતા બતાવવાની જગ્યાએ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહએ ધમકી આપી હતી. સોસાયટીમાં મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે ઘુસતા કોન્સ્ટેબલ અને મહિલાને સ્થાનિક લોકોએ જોયા હતા, જા કે પરોઢે ૪.૦૦ વાગ્યા સુધી સમગ્ર ખેલ ચાલ્યો હતો.

ઘરના કમ્પાઉન્ડના દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કરી બાથરૂમ સુધી જવા અંગે કોન્સ્ટેબલ કે તેની સાથે આવેલી મહિલા પાસે કોઈ જવાબ નહોતો. કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહએ સ્થાનિકોને જોઈ લેવાની ચીમકી આપી હતી. આ બાબતની જાણ થતા સાબરમતી પોલીસ સોસાયટીમાં પહોંચી હતી. આરોપીને સીધો કરવાના મૂડમાં આવેલા પોલીસ જવાનોએ તેમના જ પોલીસ જવાનને સ્થાનિકોએ પકડયાનું જાતા દંડા પરત ગાડીમાં મૂકી દીધા હતા. આ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોએ પોલીસને કટાક્ષ કર્યો કે, તમારો પોલીસ જવાન પકડાયો એટલે તમે દંડો પણ ના માર્યો આની જગ્યાએ અમે કે કોઈ સામાન્ય માણસ હોત તો તમે મારી મારી અધમુવો કરી નાખ્યો હોત.

પોલીસે સ્થાનિકોને સમજાવ્યા બાદમાં નશામાં ધૂત કોન્સ્ટેબલ અને મહિલાને લઈને સાબરમતી પોલીસ સ્ટેશન ગયા હતા. સાબરમતી પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ દારૂ પીવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જાકે સમગ્ર ઘટનામાં સરકારની દારૂબંધી, લોકોની સુરક્ષા સહિતના અનેક મુદ્દે ઉભા થયેલા સવાલ સામે કોઈ કાર્યવાહી થઈ ન હોતી.

શરૂઆતમાં પકડાયેલા કોન્સ્ટેબલે હું મારી નોકરી કરુંં છું, તેમ કહી છટકવાનો પ્રયાસ કર્યો પણ સ્થાનિક લોકોએ ઘરમાં મહિલા સાથે કેમ ઘૂસવું પડયું ? તેવો સવાલ કરીને તેણે જવા દીધો નહોતો. જણાવી દઈએ કે, ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહના પત્નીએ ૬ માસ અગાઉ આત્મહત્યા કરી હતી. આ મામલે ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.