નશાયુક્ત ચોકલેટના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ: રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા એક અઠવાડિયામાં બીજી વખત નશાયુક્ત પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાર દિવસ અગાઉ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર માંથી ૭૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે કેતન દવે નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ શહેરના તિરૂપતિ સોસાયટી શેરી નંબર ૧૧ મા પ્રભાતસિંહ ચુડાસમા ના મકાનમાં ભાડે રહેનાર આરોપી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને નશાયુક્ત ચોકલેટના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીઆઇડી ક્રાઇમ નામ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે ચૌહાણ અને તેમની ટીમને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના તિરૂપતિ સોસાયટી શેરી નંબર ૧૧ માં પ્રભાતસિંહ ચુડાસમાના મકાનમાં ભાડે રહેનાર આરોપી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા ગાંજા યુક્ત ચોકલેટ નું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે દરોડો પાડતા સાત કોથળા ભરેલા ચોકલેટ કબજે કરવામાં આવ્યા છે. તેમજ સ્થળ પરથી અલગ અલગ કંપનીની ૭૯૮ જેટલી ચોકલેટના પૅકેટ પણ મળી આવ્યા છે.
સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા પાનના ગલ્લા નાના વેપારીઓને એક પેકેટ ૭૫ થી ૧૦૦ રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. એક પેકેટ માં ૪૦ નંગ ચોકલેટ આવતી હતી. જે પ્રતિ નંગ દુકાનદાર ૧૦ રૂપિયામાં વેચતો હતો. ત્યારે હાલ સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ચોકલેટમાં ગાંજા નું પ્રમાણ કેટલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા દોઢ વર્ષથી ઉત્તર પ્રદેશ ખાતેથી નશાયુક્ત ચોકલેટ લાવ તો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આમ, સતત એક અઠવાડિયા માં બીજી વખત રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા નશાના કાળા કારોબાર નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ જિલ્લો સૌરાષ્ટ્રના નશાના કારોબાર માટે નું હબ બની ચૂક્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ અનેક વખત એનડીપીએસ ના કેસ કરવામાં આવ્યા છે.