નશો કરવા વટવામાં છરીઓ મારી હત્યા કરી લુંટ ચલાવનાર બે શખ્શો પકડાયા
ત્રીજાે આરોપી પોલીસની પકડ બહાર: લુંટનો મોબાઈલ કબજે
(પ્રતિનિધિ) અમદાવાદ, વટવા જીઆઈડીસીમાં આવેલા ઈન્ડો જર્મન ટુલ્સ રૂમનાં પાછળના ભાગે આશરે વીસ દિવસ અગાઉ એક વ્યક્તિને છરીના અસંખ્ય ઘા મારી હત્યા કરનાર બે આરોપીઓની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે જયારે અન્ય એક આરોપી હજુ ફરાર છે
નશો કરવાની ટેવવાળા ત્રણેય આરોપીઓ પાસે એ વખતે રૂપિયા ન હોવાથી લુંટ કરવા નીકળ્યા હતા અને ઝપાઝપીમાં વ્યક્તિની હત્યા કરી હોવાનું કબુલ કરતા સૌ ચોંકી ગયા છે.
આ ઘટનાની વિગત એવી છે કે ર૭ ઓગસ્ટે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે મૃતક મહેશ જગાજી ઠાકોર (ગોલવાડા સાબરકાંઠા) વટવા જીઆઈડીસીના ઈન્ડો જર્મન ટુલ્સ રૂમ નજીકથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી મોબાઈલ ફોનની લુંટ કરી હતી અને સારવાર દરમિયાન મહેશનું મોત નીપજયું હતું જેની ફરીયાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈ ડી.બી બારડની ટીમને હત્યારા અંગે બાતમી મળતા શેરૂઅલી અનવરઅલી મીર્ઝા (ગોમતીપુર) તથા રાજેન્દ્ર ઉર્ફે રાજન ધીરજભાઈ સોલંકી (અમરાઈવાડી)ને લુંટ કરેલ મોબાઈલ ફોન સાથે ઝડપી લેવાયા હતા.
કડક પુછપરછ કરતા આરોપીઓ અને તેમનો ત્રીજાે સાગરીત મેહુલ ઉર્ફે ઘોડો (ગોમતીપુર) નશો કરવાની ટેવવાળા જણાઈ આવ્યા હતા.
ઘટનાના દિવસે નશો કરવાના રૂપિયા ન હોવાથી ત્રણેય રૂપિયા મેળવવા એકટીવા પર નીકળ્યા હતા દરમિયાન મૃતક મહેશ એકલો જીઆઈડીસીમાંથી પસાર થતો હતો જેને ત્રણેયે રોકીને રાજેન્દ્રએ મોબાઈલ ઝુંટવી લીધો હતો જયારે મહેશ ત્રણેય સાથે ઝપાઝપી કરવા લાગતા મેહુલ અને શેરૂએ તેનાથી છુટવા મારામારી કરી હતી
અને મેહુલે પોતાની પાસેના ચપ્પાથી મહેશના શરીરે આડેધડ ઘા મારતા તે ઢળી પડયો હતો જયારે ત્રણેય ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા પોલીસે એક્ટિવા તથા મોબાઈલ કબજે કર્યા છે અને મેહુલને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.