નહેરુ પરિવાર પર ટિપ્પણી પ્રકરણમાં પાયલ રોહતગી કસ્ટડીમાં
અમદાવાદ, નહેરુ પરિવાર પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મોડલ પાયલ રોહતાગીની મુશ્કેલી વધી રહી છે. રવિવારના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે આઠ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની બુંદી કોર્ટે કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો છે. રાજસ્થાન પોલીસે પાયલ રોહતાગીની ગઇકાલે જ અમદાવાદમાં ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસે ફેસબુક અને ટ્વિટર સહિત સોશિયલ મિડિયા હેન્ડલ પર મળેલી ટિપ્પણીને પોસ્ટ કરવા માટે અમદાવાદમાંથી પકડી પાડી હતી. ત્યારબાદ તેને રાજસ્થાનના બુંદીમાં લઇ જવાઈ હતી. પોલીસે કહ્યું છે કે, પાયલની સામે પોલીસને ૧૦મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે ફરિયાદ મળી હતી.
પોલીસની કાર્યવાહી બાદ હવે પાયલના પતિ પહેલાન સંગ્રામસિંહે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આ મામલામાં મદદની અપીલ કરી છે. સંગ્રામસિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે, કોંગ્રેસ શાસક રાજ્યમાં અભિવ્યક્તને લઇને તકલીફ થઇ રહી છે. દરમિયાનગીરી કરવા માટે ગૃહમંત્રી કાર્યાલય, પીએમઓ અને નરેન્દ્ર મોદીને ટેગ કરીને કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે પાયલે બુંદીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેમછતાં તે પહેલાં જ તેની ધપરકડ થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
બીજીબાજુ, પોલીસ કાર્યવાહીથી નારાજ પાયલે પોતાના ટિ્વટર હેન્ડલર પર લખ્યું કે, ગૂગલમાંથી માહિતી લઈને મોતીલાલ નેહરૂ પર વીડિયો બનાવવા મામલે રાજસ્થાન પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી હતી. ફ્રીડમ ઓફ સ્પીચ જોક છે. પાયલ રોહતગીની ધરપકડ થયા બાદ ટિ્વટ પર પાયલ રોહતગીના સમર્થકો અને વિરોધીઓ સામ સામે આવી ગયા હતા.