નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તાલીમ કેમ્પનો પ્રારંભ : સાત જિલ્લાના યુવા વોલીયન્ટરો તાલીમમાં જોડાયા
કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓની તાલીમ લઇ જિલ્લાના યુવાનોને માહિતગાર કરો : -કલેકટરશ્રી આઇ. કે. પટેલ
નડિયાદ:મંગળવાર-. નડિયાદ ખાતે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર અને નહેરૂ યુવા કેન્દ્ર, નડિયાદના સંયુકત ઉપક્રમે ૧૫ દિવસીય તાલિમ કેમ્પ નહેરુ યુવા કેન્દ્રના વોલિયેન્ટરો માટે યોજવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરશ્રી આઇ. કે. પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નહેરુ યુવા કેન્દ્રના કાર્યકરોને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, તમારા જિલ્લામાંથી તમારી નિમણુંક નહેરૂ યુવા કેન્દ્રમાં થઇ છે તેનો મલતબ એમ કે તમારામા લીડરશીપના ગુણો છે.
આ તાલિમ કેમ્પમાં આ ગુણો વધુ વિકસે અને તેનો સદઉપયોગ થાય તે રીતે તમારે કેન્દ્ર અને રાજયની વિવિધ કલ્યાણકારી અને લોકઉપયોગી સેવાઓની તમારા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પ્રચાર અને પ્રસાર કરવાનો છે. લોકોને આ સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવાની છે તેમજ તમારા જેવા જ તમારા જિલ્લાના યુવાનોને સરકારી યોજનાઓના લાભની જાણકારી આપવાની કામગીરી કરવાની છે. જિલ્લાના વધુ ને વધુ યુવાઓ તમારી સાથે જોડાય અને સમાજ તથા દેશ માટે યોગદાન આપે તેવી તમામ મિત્રોને શુભેચ્છા વ્યકત કરી હતી.
જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્રએ જણાવ્યું હતું કે, જિલ્લાના યુવાનોમાં ક્રિએટીવીટી જન્મે, દેશ ભકિત તરફ વળે અને જિલ્લાના યુવાના સામાજીક રીતે રોજીંદા પ્રવાહમાં વળે તે રીતે તમારે તેઓને પ્રોત્સાહન આપવાનું છે. જિલ્લાના યુવાઓમાં કાનૂન તરફ માન જાગે અને કાયદાઓનું અનુસરણ કરે તેમજ તેઓમાં સ્વામી વિવેકાનંદ જેવા ગુણોનો વિકાસ થાય તે પણ તમારી ફરજોનો ભાગ બનશે ત્યારે સમાજ, દેશ અને વહિવટી તંત્ર પણ તમારી પાસે સારા કામની અપેક્ષા રાખે છે તેને તમો પરીપૂર્ણ કરશો તેવી આશા છે. સરકારની વેલફેર યોજનાઓના લાભ તેમના સાચા લાભાર્થીઓને પહોંચાડવા શ્રી દિવ્ય મિશ્રએ અપીલ કરી હતી.
નહેરુ યુવા કેન્દ્રના કો ઓડિનેટર શ્રી મહેશ રાઠવાએ સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જયારે સંજય પટેલે સૌનો આભાર વ્યકત કર્યો હતો. યુવા કાર્યકરો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નડિયાદ, ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, નર્મદા, સેલ્વાસા અને નવસારી જિલ્લાના ૭૫ થી વધુ કાર્યકરો જોડાયા હતા આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ઓફિસર શ્રી પવન અમરાવત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કાજલબેન, જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર નડિયાદના કર્મચારીઓ અને કાર્યકરો જોડાયા હતા.