નાંદોદ, ગરૂડેશ્વર, દેડીયાપાડા, તિલકવાડા તાલુકામાં કૃષિ મહોત્સવની થનારી ઉજવણી
નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં ખરીફ કૃષિ-મહોત્સવ ૨૦૧૯ નું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલનો અનુરોધ
તા. ૧૬ મી જૂને સાગબારા ખાતે ગુજરાતનાં આદિજાતિ કલ્યાણ,વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાશે
કૃષિ મહોત્સવની પૂર્વતૈયારીઓના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી પટેલના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક
રાજપીપળા, ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકૂળતા રહે તે માટે રાજય સરકાર દ્વારા આગામી તા. ૧૬ અને ૧૭ મી જૂન ૨૦૧૯ દરમિયાન યોજાનારા ૧૫ માં કૃષિ મહોત્સવની થનારી રાજયવ્યાપી ઉજવણીનાં ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં યોજાનારા કૃષિ મહોત્સવ ૨૦૧૯નું સુચારૂ આયોજન ઘડી કાઢવા અને આ ઉજવણીમાં કૃષિ, બાગાયત, પશુપાલન સહિતનાં સંલગ્ન વિવિધ સરકારી વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી અને લાભોનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય તે સુનિશ્ચિત કરવાં જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે અમલીકરણ અધિકારીઆને ખાસ અનુરોધ કર્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા.જિન્સી વિલીયમ, વન સંરક્ષક ડૅા.કે.શશીકુમાર, નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી ગીતાંજલી દેવમણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૅા. નિલેશ ભટૃ, બાગાયત, પશુપાલન, સહકાર વગેરે વિભાગો સહિતનાં જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષપદે ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ નાં પૂર્વે આયોજનની તૈયારીના ભાગરૂપે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે તા.૧૬ અને તા. ૧૭મી જૂન દરમિયાન જિલ્લાના પાંચેય તાલુકામાં થનારી કૃષિ મહોત્સવની ઉજવણી સુચારુ રીતે થાય તે માટે પાંચેય તાલુકા માટે નિમાયેલાં નોડલ અધિકારીશ્રીઓને સંબધિત તાલુકાના અધિકારીઓ સાથે સત્વરે બેઠક યોજીને ઉજવણીની તમામ વ્યવસ્થા અંગે જરૂરી વિચાર-વિમર્શ કરીને પૂર્વ તૈયારીઓની સમીક્ષા થાય તે જોવાની પણ તેમણે સુચના આપી હતી.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાનારી ખરીફ કૃષિ મહોત્સવ ઉજવણીના કરાયેલા આયોજન મુજબ તા. ૧૬ મી જૂન, ૨૦૧૯ ને રવિવારનાં રોજ ગુજરાતનાં આદિજાતિ કલ્યાણ,વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સાગબારા તાલુકા મામલતદાર કચેરી ખાતે સાગબારા તાલુકાનો કૃષિ મહોત્સવ ખૂલ્લો મુકાશે, તેવી જ રીતે નાંદોદ તાલુકા માટે એ.પી.એમ.સી. રાજપીપલા ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે સ્વામીનારાયણ ગુરૂકુળ કેમ્પસ, કેવડીયા ખાતે અને દેડીયાપાડા તાલુકા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા ખાતે આ કૃષિ મહોત્સવ યોજાશે, જયારે તા. ૧૭ મી જૂન-૨૦૧૯ ને સોમવારના રોજ તિલકવાડા તાલુકા માટે કે.એમ.શાહ સાર્વજનીક હાઇસ્કૂલ, તિલકવાડા ખાતે કૃષિ મહોત્સવ યોજાશે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો. નિલેશ ભટેૃ આ બેઠકમાં પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ ઉજવણી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ માં વિશેષ સેમીનાર તથા પ્રદર્શનો યોજાવાની સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન તથા સંલગ્ન તમામ વિભાગો અંગે આધુનિક જાણકારી પુરી પાડવાની સાથે ખેડૂત ભાઇ-બહેનોને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા યોજનાકીય માર્ગદર્શન અપાશે, તદ્દઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા પશુ-રસીકરણ અને પશુ-સારવાર કેમ્પ પણ યોજાશે, જેનો જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનો, બાગાયતકારો અને પશુપાલકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહત્તમ લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.