નાઇજર આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલામાં ૭૧ સૈનિકોનાં મોત
માલી, માલીની સરહદમાં આવેલા નાઇજરમાં સેંકડો જિહાદીઓએ સૈન્ય શિબિર ઉપર હુમલો કર્યો છે, જેમાં ૭૧ સૈનિકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. નાઇજરનાં સંરક્ષણ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે જેહાદીઓએ સૈન્ય શિબિર પર શેલ અને મોર્ટાર ચલાવ્યા હતા, જેમાં ૭૧ સૈનિકો માર્યા ગયા હતા. મંગળવારે પશ્ચિમ તિલાબેરી ક્ષેત્રમાં નાઇજરની સેના પર આ સૌથી મોટો હુમલો છે. નાઇજરમાં, ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા ૨૦૧૫ થી હિંસા કરવામાં આવી રહી છે.
નાઇજરની રાષ્ટ્રીય ટીવી ચેનલ પર નાઇજીરીયાનાં સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે, અમે દુખની સાથે આ માહિતી આપી રહ્યા છીએ કે અમારા ૭૧ લશ્કરી જવાનો માર્યા ગયા છે, જ્યારે ૧૨ ઘાયલ થયા છે અને ઘણા ગુમ પણ છે. આ હુમલો નાઇજરની સેના પર મોટી સંખ્યામાં આતંકીઓ દ્વારા મોટા હથિયારો અને દારૂગોળા સાથે કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, બદલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો.
અગાઉ એમ કહેવાતું હતું કે આ હુમલામાં સેનાનાં ૬૦ જવાન શહીદ થયા છે. સુત્રો કહે છે કે આતંકવાદીઓએ લશ્કરી છાવણીમાં મોર્ટાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા છે. જો કે હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. નાઇજરની સેના પહેલાથી જ બોકો હરામનાં આતંકવાદીઓ સામે લડી રહી છે. નાઇજરનાં રાષ્ટ્રપતિ ઇસોફૂ મોહમ્મદે તેમની ઇજિપ્તની મુલાકાત મધ્યમાં જ પૂરી કરી દીધી છે.