નાગપુરના યુવકના પાક.ની યુવતી સાથે ૪ વર્ષ બાદ લગ્ન
નાગપુર, પાકિસ્તાનના સિંધ ક્ષેત્રમાં આવેલા સક્કરમાં રહેતા વંદના કેસવાનીની જ્યારે નાગપુરના અનિલ જમનાની સાથે સગાઈ થઈ હતી ત્યારે તેની ઉંમર ૨૫ વર્ષ હતી. અનિલની ઉંમર તે સમયે ૨૬ વર્ષ હતી. ચાર વર્ષ રાહ જાેયા પછી આખરે તેઓ હવે લગ્ન કરી શકશે.
કોરોના અને બન્ને દેશો વચ્ચેના બનતા-બગડતા સંબંધોને કારણે આ કપલે ચાર વર્ષ સુધી વિરહની વેદના વેઠવી પડી હતી. પરંતુ આખરે ગત સપ્તાહમાં ૨૯ વર્ષીય વંદનાએ બોર્ડર ક્રોસ કરી અને તે ભારત પહોંચ્યા છે. પાકિસ્તાનના નાગરિક અનિલ જમનાની ભારતમાં લોન્ગ ટર્મ વિઝા પર રહેતા હતા, પરંતુ હવે તેમને ભારતની નાગરિકતા મળી ગઈ છે.
આ વર્ષે ૧૩મી ડિસેમ્બરે તેઓ વંદના સાથે સાત ફેરા લેશે. વંદના અને અનિલના લગ્ન પ્રેમ અને ધીરજનું જીવંદ ઉદાહરણ બનશે. બન્ને અલગ અલગ દેશોમાં રહેતા હતા, કોરોનાને કારણે પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, બોર્ડર સીલ કરી દેવામાં આવી અને બન્ને બાજુ રહેતા લોકો પોતાના સ્વજનોથી દૂર થઈ ગયા. આ તમામ અવરોધોનો સામનો કરીને તેઓ મક્કમ રહ્યા. ઉલ્લેખનીય છે કે હવે કોરોનાના કેસમાં ઘટાડો થવાને કારણે નિયમોમાં તબક્કાવાર ઢીલ આપવામાં આ રહી છે.
સિંધી- હિંદી પંચાયતના નેતા રાજેશ ઝાંબિયાએ આ કપલનો કેસ હાથમાં લીધો હતો. આ સંગઠન પ્રવાસી ભારતીયો માટે કામ કરે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બન્ને પરિવારે રાહ જાેવાનો ર્નિણય લીધો હતો.
મે, ૨૦૧૮માં તેમની સગાઈ થઈ હતી અને એક વર્ષ પછી લગ્ન કરવાના હતા. યુવતીના પરિવારે ભારતના વિઝા માટે અરજી કરી હતી. તે સમયે સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને ભારત જવા માંગતા પાકિસ્તાનના નાગરિકોની વિઝા અટકાવી દેવામાં આવી હતી. લગભગ એક વર્ષ સુધી આ સ્થિતિ રહી હતી.
બીજા પ્રયાસમાં ટેક્નિકલ કારણોસર વિઝા રિજેક્ટ થઈ હતી. અને ત્યારપછી કોરોનાને કારણે સરહદો બંધ હતી. તાજેતરમાં જ યુવકના પરિવારને ભારતની નાગરિકતા મળી છે. આ નાગરિકતાને કારણે યુવતીનો વિઝાનો કેસ મજબૂત બન્યો હતો.
આ વર્ષની શરુઆતમાં વંદનાને સ્પાઉસ વિઝા મળી હતી, પરંતુ પ્રતિબંધો અકબંધ હતા. જુલાઈ મહિનામાં વંદના અને તેના પરિવારને હવાઈ માધ્યમથી ભારત આવવાની મંજૂરી મળી હતી. પરંતુ ફ્લાઈટથી આવવામાં ખર્ચો ઘણો વધી જતો હોવાને કારણે તેમણે બોર્ડર્સ ખુલે તેની રાહ જાેવાનું પસંદ કર્યું. ૩ નવેમ્બરના રોજ બોર્ડર ખુલી અને અન્ય ૧૪૦ લોકોની સાથે વંદનાએ પણ ભારતમાં પ્રવેશ કર્યો.
અત્યારે તો વંદના ભારતમાં એકલા આવ્યા છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ૩ નવેમ્બરે જે લોકોએ આવવાનુ હતું તે યાદીમાં મારા માતા-પિતાનું નામ પણ હતુ પરંતુ મારી બહેનના લગ્ન નક્કી કરવામાં આવ્યા અને તેમણે ત્યાં રહેવુ પડ્યું. વંદના અત્યારે પોતાના સ્વજનો સાથે રહે છે અને તેમને આશા છે કે લગ્ન સુધી માતા-પિતા ભારત આવી શકે.
વંદના કહે છે કે, સરકારે મારા કેસને ધ્યાનમાં રાખીને મારા માતા-પિતાને આવવાની મંજૂરી આપવી જાેઈએ. અનિલ આ બાબતે જણાવે છે કે, મેં સગાઈ વખતે વંદનાને વીડિયો કોલ પર જાેઈ હતી. એક સંબંધીએ અમારી ઓળખ કરાવી હતી. પાછલા ચાર વર્ષથી અમે સમયસર એકબીજા સાથે વાત કરતા હતા. મને તે યોગ્ય જીવનસાથી લાગી, માટે મેં તેની રાહ જાેવાનો ર્નિણય લીધો. ઘણીવાર એવુ પણ બન્યું કે કંટાળીને મેં લગ્નનો અંત લાવવાની વાત કરી હોય, પરંતુ તે માત્ર ગુસ્સામાં કહ્યુ હતું, હું ક્યારેય આ સંબંધનો અંત લાવવા નહોતો માંગતો. તેના પરિવાર માટે આ મુશ્કેલ સમય હતો.
ઉલ્લેખનીય છે કે ૩ નવેમ્બરના રોજ પાકિસ્તાનથી ૧૪૪ લોકો ભારત આવ્યા હતા. આ લોકોમાં પાકિસ્તાનમાં રહેતા ભારતીયો, ભારતની વિઝા મેળવવા માંગતા પાકિસ્તાનના નાગરિકો શામેલ હતા. આ સિવાય ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ત્રીજી શ્રેણી પણ છે, જેઓ ત્યાં મુલાકાત માટે ગયા હોય અને હવે પાછા ફરવા માંગતા હોય.
ઉલ્લેખનીય છે કે યુવકનો પરિવાર વર્ષ ૧૯૯૧માં ભારત આવીને અમરાવતીમાં સ્થાયી થયો હતો. ૨૦૦૬માં પાસપોર્ટ એક્સપાયર થઈ ગઈ હોવાને કારણે તેઓ પાછા ગયા હતા અને એક વર્ષ પછી પાછા આવ્યા હતા. ત્યારથી તેઓ નાગપુરમાં રહે છે.SSS