Western Times News

Gujarati News

નાગપુરમાં લોકડાઉન છતાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ થયા

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાનો સેકન્ડ વેવ શરુ થયો હોય તેમ રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં ૧૭,૮૬૪ નવા કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર ૨૦૨૦ પછી એક જ દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. મુંબઈ અને પુણે જિલ્લામાં પણ ગઈકાલે અનુક્રમે ૩૬૭૧ અને ૩૯૯૪ કેસ નોંધાયા હતા, ત્યારે નાગપુરમાં તો નવા કેસોએ રેકોર્ડ બનાવ્યો છે.

નાગપુરમાં મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સપ્તાહનું લોકડાઉન પણ જાહેર કર્યું હતું. છતાંય ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે નાગપુરમાં ૨૫૮૭ નવા કેસ નોંધાયા હતા. માર્ચ ૨૦૨૦માં કોરોનાએ મહારાષ્ટ્રમાં પગપેસારો કર્યો ત્યારથી લઈને નાગપુરમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસોનો આ સૌથી ઉંચો આંકડો છે. નાગપુર જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૮,૯૮૦ પર પહોંચી ગઈ છે, જે પુણે પછી સૌથી વધુ છે.

નાગપુર મ્યુ. કમિશનર રાધાક્રિશ્નન બી.ના જણાવ્યા અનુસાર, મંગળવારથી જિલ્લામાં ટેસ્ટિંગ ઓ સઘન બનાવાયું છે. એક પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા ૨૦-૩૦ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. હોમ આઈસોલેટ કરવામાં આવેલા એક દર્દી દ્વારા ક્વોરન્ટાઈનનું પાલન થાય છે કે નહીં તે ચેક કરવા માટે ખુદ મ્યુ. કમિશનર તેના ઘરે પહોંચી ગયા હતા.

મહારાષ્ટ્રમાં અત્યારે ડેલી ડિટેક્શન કેસનો આંકડો ૧૬૭ દિવસના સર્વોચ્ચ સ્તરને આંબી ગયો છે. છેલ્લે ૩૦ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ૧૮,૩૧૭ કેસ નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં ૪૮ લોકોના મોત થયા હતા, અને આ આંકડો મંગળવારે વધીને ૮૭ પર પહોંચ્યો હતો. સેકન્ડ વેવ દરમિયાન રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રમાં અત્યારસુધી નોંધાયેલા કોરોનાના દર્દીઓનો કુલ આંક ૨૩.૪૭ લાખ થઈ ચૂક્યો છે, જ્યારે ૫૨,૯૯૬ લોકોના અત્યારસુધી મોત થયા છે.

બીએમસીની હદમાં ગઈકાલે ૧૯૨૨ નવા કેસ નોંધાયા હતા, જે સપ્ટેમ્બર ૨૦૨૦ના સ્તરે પહોંચી ગયા છે. શહેરમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસોનો આંકડો હવે ૩.૪૭ લાખ થઈ ચૂક્યો છે, જ્યારે ૧૧,૫૪૩ લોકોના મોત થયા છે. મુંબઈમાં હાલ ૧૩,૮૬૨ જેટલા એક્ટિવ કેસ છે.

એક્સપર્ટ્‌સના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ૨૦-૪૦ વર્ષની વયના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમાંય મુંબઈ જેવા શહેરોમાં તો મોટાભાગના દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા, જાેકે આવા લોકો બીજાઓને તેનો ચેપ લગાડી રહ્યા છે. લોકો હજુય કોરોનાને ગંભીરતાથી ના લેતા હોવાના કારણે તંત્ર હવે કડકાઈથી કામ લઈ રહ્યું છે. જે લોકો હોમ આઈસોલેશનમાંથી બહાર નીકળે તેમની સામે એફઆઈઆર પણ કરાવાઈ રહી છે. બીએમસીએ હોમ આઈસોલેશનનો ભંગ કરનારાઓના સીસીટીવી ફુટેજ શેર કરવા પણ સોસાયટીઓને વિનંતી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.