Western Times News

Gujarati News

નાગરિકતાનો કાયદો નાગરિકતા આપે છે અને કોઇનો નાગરિકત્વનો હક્ક છિનવતો નથી :વિજયભાઇ રૂપાણી

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો સંકલ્પબધ્ધ થઇએ : મુખ્યમંત્રીશ્રી 

રાજકોટની રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા નાગરિક અધિકાર કાયદાના સમર્થનમાં યોજાયેલી- વિશાળ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ:અત્રે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ આયોજિત કેન્દ્રીય નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપવા યોજાયેલ રાષ્ટ્રીય એકતાની ૨ કી.મી. લંબાઈના રાષ્ટ્ર ધ્વજની તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવતા પ્રસંગે યોજાયેલ સભાને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યુ હતુ કે ભારતદેશને મજબૂત અને શક્તિશાળી બનાવી ભારતને કોઈ નબળો ન કરી શકે અને દુર્ગાદેવી જેવી ભારતમાતાને શક્તિશાળી બનાવીએ. આપણે સૌ જાતિ પ્રાંત અને ભાષાવાદથી ઉચે ઉઠીને શક્તિશાળી રાષ્ટ્ર આપણા માટે પહેલા છે. રાષ્ટ્રમાટે જીવીશું અને  રાષ્ટ્ર માટે મરીશું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળના શાસકો એ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, દેશ દાઝ, સ્વાભિમાનની સમસ્યાના નિરાકરણ માટે કશાં પ્રયત્નો કર્યા ન હતાં, વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા દુનિયાને બતાવીદીધું કે ભારત તાકતવર દેશ છે. કોઇ આ દેશ ઉપર ખરાબ નજર નહી કરી શકે, અમે લોકસભાની ચૂંટણીમાં જે વચંનો લોકોને આપ્યા હતા.

તે  એક પછી એક પૂર્ણ કરી રહ્યા છીએ. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહએ અભૂતપૂર્વ અને ઐતિહાસીક નિર્ણય લઇને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ લોકસભા-રાજ્યસભામાં બહુમતિથી પસાર કરાવીને દૂર કરેલ છે. કાશ્મીરને ભારતનું અવિભાજય અંગ બનાવેલ છે. હવે કાશ્મીરનો વાસ્તવિક વિકાસ શરૂ થયેલ છે. ટ્રીપલ કાયદો રદ કરીને મહિલા-પુરૂષોને સમાન તકનો નિર્ણય કરેલ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ૧૯૪૭ માં ધર્મના નામે દેશના ભાગલા થયા હતા એ વખતે પાડોશી દેશોમાંથી પીડિત થઈને આવેલ આપણા અલ્પસંખ્યક ભાઈઓ બહેનો  પાડોશી દેશોમાંથી આવ્યા પરંતુ વોટબેંક અને ધર્મ આધારિત રાજનીતિના કારણે આપણી યોજનાઓનો લાભ ન મળ્યો અને નાગરિકતા ના મળી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, દેશહિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય કરીને લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સંશોધન કાયદો પસાર કરાવીને હવે આપણા શરણાર્થી ભાઈઓ-બહેનોને નાગરિકનો અધિકાર મળશે આ કાયદાથી નાગરિકતા દેવાની વાત છે

નાગરિકતા લેવાની વાત નથી અમુક તત્વો દેશ વિરોધી નારાઓ અને જુઠા પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, દુષ્પ્રચાર કરી રહ્યા છે આ લોકો દેશ શક્તિશાળી ન બને તેવું ઇચ્છી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાને સમગ્ર દેશમાંથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ તકે દેશ માટે સમય કાઢીને તિરંગા યાત્રા માં ભાગ લેવા બદલ સૌ નાગરિકોને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોના અલ્પસંખ્યક શરણાર્થી લોકોને નાગરિકતા આપવાની વાત આ કાયદામાં કરાય છે. આપણા દેશના કોઈ પણ લોકોની નાગરિકતા લઈ લેવાની આ કાયદામાં કોઈ  વાત જ નથી.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના વડપણ હેઠળ દેશ હિતમાં નાગરિક સંશોધન કાયદો અમલી બનાવ્યો છે. કેટલાક દેશ વિરોધી લોકો આ કાયદાનો  વિરોધ કરી, ખોટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

પશુપાલન અને પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા એ જણાવ્યું હતું કે આજે આ તિરંગાયાત્રા માં ખૂબ જ મોટી સંખ્યામાં શાળા , મહાશાળા, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને લોકો ઉપસ્થિત રહી છે.ત્યારે મને ગર્વ થાય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ એ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય દેશહિત અને માનવતા માટે નાગરિકતા સંશોધન કાયદો ઘડીને કરેલ છે.

જેને આજે સમગ્ર સૌરાષ્ટ્ર તરફથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે ઉત્સાહભેર આ રેલી માં જોડાઈ ને આ કાયદાને સમર્થન આપશું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્ર હિતમાં નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા. આવો કાયદો વર્ષોથી લોકો ઇચ્છી રહ્યા હતા. રાષ્ટ્ર હિતના આ કાયદાને  આપણે સૌ સમર્થન આપવું જોઈએ. આ કાયદાને આજ રાજકોટની જનતાએ મોટી સખ્યામાં ભાગ લઈ સમર્થન આપ્યું છે તે માટે હું સૌનો આભારી છુ. આર્ષ વિધ્યા મન્દિરના સ્વામી પરમાત્માનંદજીએ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવેલ સીએએના સમર્થનમાં તિરંગા યાત્રા શહેરના મુખ્યમાર્ગો પર નિકળી હતી. આ યાત્રા સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવનથી શરૂ થઇ જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકુષ્ણ આશ્રમ, ત્રિકોણ બાગ, જુબેલી ગાર્ડન પાસે મહાત્માગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, શ્રીધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રીઅરવિંદભાઈ રૈયાણી, શ્રીધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, શ્રીપ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, શ્રીભાનુભાઇ મેતા,મેયર શ્રીમતી બિનાબહેન આચાર્ય, શ્રીમતિઅંજલીબેન રૂપાણી,વી.પી.વૈષ્ણવ ચંદ્રકાત શેઠ, મુકેશ મલકાની, શ્રી રાજુભાઇ ધ્રુવ, ડો.જિતેન્દ્ર અમલાણી, ડો. અમિત હપાણી, ડો. અતુલ પંડ્યા, શ્રી કિશોરભાઈ મોંગલપરા, શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી અજયભાઈ પટેલ, શ્રી મૌલેશભાઈ પટેલ, શ્રી જયોતિન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, શ્રીદિલીપભાઈ પટેલ,શ્રી જતીનભાઇ ભરાડ, શ્રીભરતભાઇ ગાજીપરા, ડી.વી.મહેતા,શ્રીપરેશભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, મેહુલભાઈ રૂપાણી, શ્રી અમીનેષભાઈ રૂપાણી, ડો.ભરતભાઇ બોઘરા, શ્રી નયનભાઈ શુક્લ, વિવિધ વેપાર-ઉદ્યોગ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો, જૈન મુનિ સંતો,ઇન્દ્રવિજય મહારાજ, વિશ્વબધુજી ધર્મવલ્લભ, નીર્દોર્ષમુનિ,રાધારામણ,વિવેક સાગર સ્વામી, વિર્ધાર્થોઓ,સ્વેચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ભાજપ સંગઠના હોદેદારો અને શહેર જિલ્લાના મોટી સંખ્યામાં નાગરિકભાઇ-બહેનો  ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.