નાગરિકતા અધિકારતા બીલને રાષ્ટ્રપતિએ મંજુરી આપતા હવે કાયદો બનશે
(પ્રતિનિધિ) નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા અધિકાર બીલને મંજુરી મળ્યા બાદ રાજયસભામાં આ બીલ પસાર કરાવવા માટે સરકારની કસોટી થવાની હતી. રાજયસભામાં એનડીએની બહુમતી નહી હોવાના કારણે તમામની નજર રાજયસભાની કાર્યવાહી પર મંડાયેલી હતી પરંતુ શિવસેના તથા અન્ય વિરોધ પક્ષોએ વોક આઉટ કરતા સરકારની કામગીરી સરળ બની ગઈ હતી અને રાજયસભામાં પણ આ બીલ પસાર થઈ જતા તેને મંજુરી માટે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું હતું આજે સવારે રાષ્ટ્રપતિએ આ બીલ પર હસ્તાક્ષર કરી મંજુરી આપી દેતા કેન્દ્ર સરકાર હવે આનો કાયદો બનાવવા માટે સક્રિય બની ગઈ છે.
કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ એક પછી એક મહત્વપૂર્ણ કામગીરીઓ ઉપર નિર્ણયો લેવામાં આવી રહયા છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ નાગરિકતા અધિકાર બીલ લોકસભામાં રજુ કર્યું હતું લોકસભામાં એનડીએની બહુમતી હોવાથી કોંગ્રેસના વિરોધ વચ્ચે આ બીલ બહુમતીથી પસાર થઈ ગયું હતું. લોકસભામાં બીલ પસાર થયા બાદ તેને રાજયસભામાં રજુ કરવામાં આવ્યું હતું.
રાજયસભામાં એનડીએની બહુમતી નથી જેના પરિણામે આ બીલ ના ભાવિ અંગે લોકોમાં અનેક પ્રકારની ચર્ચા ચાલતી હતી ખાસ કરીને એક સમયના ભાજપના સાથી શિવસેનાના વલણ ઉપર તમામની નજર મંડાયેલી હતી. શિવસેનાએ નાગરિક અધિકારતા બીલ અંગે કેન્દ્ર સરકાર પાસે કેટલીક સ્પષ્ટતા માંગી હતી અને કેન્દ્ર સરકારે આ મુદ્દે સ્પષ્ટતાઓ પણ કરી હતી. રાજયસભામાં બીલની તરફેણમાં તથા વિરોધમાં વ્યાપક ચર્ચા થઈ હતી અને આ ચર્ચા દરમિયાન શિવસેનાએ તથા અન્ય કેટલાક નાના વિપક્ષોએ વોક આઉટ કરી દેતા બીલ રાજયસભામાં પસાર થઈ જશે તેવી સ્થિતિ સર્જાઈ હતી
આ બીલમાં કેટલાક સાંસદોએ સુધારા સુચવ્યા હતા જેના ઉપર પેલા વોટીગ શરૂ થયું હતું પરંતુ આ સુધારા રાજયસભામાં મંજુર થયા ન હતા.
જેના પરિણામે આખરે ગૃહમંત્રી અમિત શાહે મુકેલુ બીલ રાજયસભામાં બહુમતીથી પસાર થયું હતું. લોકસભા અને રાજયસભામાં આ બીલ પસાર થઈ જતા આખરી મંજુરીની મહોર માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ કાંવિદે આજે સવારે આ નાગરિકતા અધિકાર બીલ પર મંજુરીની મહોર મારી દેતા કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગના મંત્રીઓ હવે સક્રિય બન્યા છે. રાષ્ટ્રપતિની મંજુરીથી હવે આ કાયદો બની ગયો છે.