નાગરિકતા બિલ પર સ્ટે આપવાનો સુપ્રીમનો ઈનકાર
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન બિલ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં એક , બે નહી પણ 59 પિટિશન થઈ છે.જેની સુનાવણી દરમિયાન કોર્ટે બિલ પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. .સાથે સાથે આ મામલાની વધુ સુનાવણી માટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.આ મામલા પર ઈન્ડિયન મુસ્લિમ લીગ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને બીજી પિટિશન પર વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટે એ નિવેદનની નોંધ લીધી હતી કે, આ બિલને લઈને દેશના લોકો વચ્ચે ભ્રમ અને મૂંઝવણની સ્થિતિ છે.કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે, લોકોને આ કાયદા અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકારે વિવિધ ઓડિયો અને વિડિયો માધ્યમનો ઉપયોગ કરવા માટે વિચારણા કરવી જોઈએ.
આ બિલ સામે સૌથી પહેલી પિટિશન ઈન્ડિયન મુસ્લિમ લીગે કરી હતી.જેમાં આરોપ લગાવાયો હતો કે, આ કાયદો ભારતના બંધારણની વિરુધ્ધમાં છે અને તેની પાછળનો હેતુ મુસ્લિમો સાથે ભેદભાવ કરવાનો છે.ધર્મના આધારે આ બિલનો લાભ મુસ્લિમ સિવાયના બીજા ધર્મના લોકોને મળવાનો છે.