નાગરિકતા બિલ વિરોધમાં થયેલી હિંસા માટે કોંગ્રેસ-આપ જવાબદારઃ પ્રકાશ જાવડેકર
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આરોપ લગાવતા કહ્યુ છે કે, દિલ્હીમાં નાગરિકતા બિલ સામેના દેખાવો વખતે થયેલી હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જવાબદાર છે.
જાવડેકરે કહ્યુ હતુ કે, આ બંને પાર્ટીઓએ ખોટી જાણકારી ફેલાવી હતી અને એ પછી જ્યારે હિંસા થઈ તો બંને પાર્ટીઓ ચૂપ છે.દિલ્હીમાં જામિયામાં કોંગ્રેસના આસિફ ખાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા પર આરોપ છે કે, તેમણે લોકોને ઉકસાવ્યા હતા. સીલમપુરમાં કોંગ્રેસના મતીન અહેમદ અને આમ આદમી પાર્ટીના ઈશરાક ખાન હિંસા થઈ ત્યારે હાજર હતા. જામા મસ્જિદમાં કોંગ્રેસના મહેમૂદ પારચા મોજૂદ હતા.
જાવડેકરે માગ કરી હતી કે, હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ માફી માંગવી જોઈએ.તેમના કારણે હિંસા થયા બાદ નુકસાન વેઠવુ પડ્યુ છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ પલટવાર કરતા કહ્યુ છે કે, ભાજપ પહેલા જાણી લે કે, તેમના કેટલા નેતાઓ સામે રેપના કેસ થયેલા છે.દિલ્હી હિંસાની તપાસ કરાવવાનો અધિકાર ભાજપ પાસે છે. ભાજપ તપાસ કરાવીને જાણી લે કે કોણે હિંસા કરાવી છે.ભાજપે લોકોને ગૂમરાહ કરવાનુ બંધ કરી દેવુ જોઈએ.