નાગરિકોની બેદરકારીથી કોરોના સંક્રમણ વધ્યુ
કોરોનાને હળવાશમાં- મજાકમાં ન લો
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહયા છે તેમાં પણ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોની સાથે ગામડાઓમાં સંક્રમણ વધ્યુ છે તેની પાછળ નાગરિકોની બેજવાબદારી સ્પષ્ટ જણાઈ રહી છે. લોકડાઉનમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા અનલોકમાં જાણે કે બધુ ભૂલી ગયા છે. માસ્ક નહી પહેરવુ અને પહેરવુ તો કાઢી નાંખવુ, સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ આ તમામ નિયમોને જાણે કે ઘોળીને પી જવાયો છે.
લોકો નિતિ નિયમોને નેવે મુકી રહયા છે ખાસ કરીને બજારો તથા ચાની કીટલીઓ પર સ્થિતિમાં જાેઈએ તેટલો સુધારો થયો નથી. ખરીદી કરવામાં પણ સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમો ભૂલાઈ રહયા છે. ધાર્મિક કાર્યક્રમો કે જાહેર સ્થળોએ ભેગા થતા લોકો બધુ ભૂલી ગયા છે. તાજેતરમાં સાબરમતી રીવરફ્રંટ ખાતે સોમવતી અમાસના દિવસે શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.
ત્યાં સામાજીક અંતર રાખવાના લીરેલીરા ઉડયા હતા તો કેટલાક લોકો તો માસ્ક વિનાના જાેવા મળ્યા હતા તેવી જ રીતે ઉસ્માનપુરા દરગાહમાં લોકો એકત્રિત થયા હતા. ત્યાં પણ નિયમોનું પાલન નહી થતુ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સિવાય રાજકીય નેતાઓ પણ મીટીંગનું આયોજન કરે છે ત્યારે પોતે ઘડેલા નિયમો ભૂલી જાય છે.
કોરોનાથી સંક્રમિત એક આગેવાન અનેકને સંક્રમિત કરે છે તેમ છતાં આવા નેતાઓનું પોલીસતંત્ર કે અન્ય તંત્ર કશું બગાડી શકતુ નથી. નિયમો જાણે કે સામાન્ય પ્રજા માટે બનાયા હોય તેવી નાગરિકોને પ્રતિતી થાય છે આ બધુ જાેઈને નિતિ- નિયમોનું પાલન કરનારા પણ નિયમોનો ભંગ કરે છે. ઠીક છે કે માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
આજુબાજુ નજીકમાં કોઈ ન હોય તો થોડી મીનીટો માટે મોં પરથી માસ્ક દૂર કરીને બેસવુ મોટો ગુનો નથી પરંતુ “માસ્ક” પહેરવુ નહી અને પોલીસ સામે અગર તો અધિકારીઓ સામે દાદાગીરી કરવી અયોગ્ય છે માસ્કની સાથે સોશિયલ ડીસ્ટન્સીંગનો પ્રશ્ન મોટો છે લોકો દુકાનો પર કે શાકભાજી ખરીદવા જાય ત્યારે તો ખૂબ જ ઉતાવળ કરતા હોય છે.
એક વ્યક્તિ ખરીદી કરતી હોય તો આજુબાજુ બીજા બે-ત્રણ જણા આવીને ઉભા રહી જશે આ પધ્ધતિ ભૂલવી પડશે નહિતો હજુ પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે નિતિ- નિયમોનું પાલન કરનારાઓની મજાક છોડો. તેની વાતને નબળાઈ ન સમજાે. કારણ કે કોરોના કોઈને પણ થઈ શકે છે. સાવચેતી રાખતા નાગરિકોની કદર કરવી જરૂરી છે.
ઓફિસોમાં માસ્કની સાથે સામાજીક અંતર જાળવવી આવશ્યક છે. રાજયમાં નિયમોનું પાલન નહી થવાથી સરકારી કચેરીઓમાં કોરોનાના કેસ વધી રહયા છે. તાર-ટપાલ તથા ટેલિફોન ખાતામાં કેસો આવ્યા છે. ત્યાં વારંવાર ઓફિસોને કવોરન્ટાઈન કરાય છે તો ગામડાઓમાં જીલ્લા- તાલુકા કક્ષાએ એકથી વધોર કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહયા છે. કોરોનાને હળવાશથી અને મજાકમાં લેવાની જગ્યાએ સાવચેતી રાખી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપાલન થાય તે નાગરિકોના જ હિતમાં છે.