નાગરિકો ચોમાસામાં બિસમાર રસ્તાથી ભયાનક અનુભવ કરશે
વરસાદી સિઝનની જમાવટ થઇ છે તે છતાં રસ્તાના પેચવર્કના ઠેકાણાં નથીઃ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ તંત્ર પર પસ્તાળ પાડી
અમદાવાદ, શહેરના બિસમાર રસ્તાની સમસ્યા વધુ ને વધુ ગંભીર થતી જાય છે. વર્ષ ૨૦૧૭ના રૂ.૪૫૦ કરોડના રસ્તાના કૌભાંડની તપાસ ફાસ્ટ ટ્રેકના પૂર્વ જજ હજુ પણ કરી રહ્યા છે. આ કૌભાંડે તો સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ હતુ તેમજ શાસક ભાજપને વિપક્ષ કોંગ્રેસના રમતિયાળ સુત્ર વિકાસ ગાંડો થયો છે ના કારણે વિધાનસભા ચૂંટણીમાં ઘણી બેઠક ગુમાવવી પડી હતી,
જાેકે મ્યુનિ. તંત્રના વહીવટમાં કોઇ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. શહેરની જૂની ટર્મના શાસકો તો લોકોને સારા રસ્તા પૂરા પાડવાની તેમની ફરજમાં ઊણા ઊતર્યા હતા, પરંતુ હવેની નવી ટર્મના શાસકો પણ સારી ગુણવત્તા ધરાવતા રસ્તા લોકોને મળી રહે તે બાબતમાં ઉદાસીન છે
એટલે ખાસ તો મ્યુનિ. ઇજનેર વિભાગના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓને ફાવતું જડ્યું છે. અમદાવાદમાં ચોમાસાએ હવે બરાબરની જમાવટ કરી છે તો સ્વાભિવકપણે રસ્તાના કોઇ પણ પ્રકારના કામોને આટોપી લેવા જાેઇએ, તેના હજુ ખાડા પૂરવાને લગતા પેચવર્કના કામના ઠેકાણાં પડ્યા નથી.
અમદાવાદ ખાડા સિટી માં ફેરવાઇ ગયું અને વાહનચાલકોને છાશવારે અકસ્માતો થઇ રહ્યા છે. ઉપરાંત પાણી ભરાયેલા ખાડાના કારણે ખાસ કરીને ટુ વ્હિલર હંકારવામાં ગફલત થઇ જવાથી કમરના મણકા ઘસાઇ રહ્યા છે. આ ચોમાસું ફરી અમદાવાદીઓ માટે ડિસ્કો રસ્તાના કારણે નરક સમાન બન્યું છે.
મ્યુનિ. ઇજનેર વિભાગની ગુનાઇત બેદરકારીથી દર વર્ષે રસ્તાના કામો પાછળ સરેરાશ રૂ.૩૦૦થી વધુ ૩૫૦ કરોડ ખર્ચાતા હોવા છતાં લોકોને મોટરેબલ રસ્તા મળતા નથી. રસ્તા રિસરફેસિંગના કામો પાછળ દર એક કિમીએ એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચાતી હોવા છતાં મ્યુનિ. રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન ઇજનેર વિભાગના અધિકારીઓ પાસે કામનો હિસાબ લેતા નથી.
જાેકે સ્ટેન્ડિંગ કમિટીમાં ખાડાગ્રસ્ત રસ્તાનો મામલો ઊછળ્યો હતો. સ્ટેન્ડિંગના સભ્ય હીરા પરમારે હલકી ગુણવત્તાના રસ્તાના કામોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રોષભેર જણાવ્યું હતુ કે, ચોમાસાની સિઝન જમાવટ કરી છે તેમ છતાં પેચવર્કના કામો અધૂરા છે.
ઘણા વોર્ડમાં રસ્તાનું પેચવર્ક ન થતા અમદાવાદ જાણે કે ખાડા સિટીમાં ફેરવાઇ ગયું હોય તેમ લાગે છે.
હલકી ગુણવત્તાના રસ્તાના કારમે રકાબી આકારના ખાડા પડીને તે વાહનચાલકોના હાડકાં તોડી રહ્યા છે. આવા ખાડાઓથી ભરેલા રસ્તાને જાેઇને અમદાવાદ જાણે કે ચંદ્ર ગ્રહ કે મંગળ ગ્રહની ધરતી હોય તેવું બિહામણું ચિત્ર ઉપસે છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં આ સભ્યે સૈજપુરબોઘાના મુખ્ય રસ્તા પરનું કામ ક્યારે થશે તેવો પ્રશ્ન પણ કર્યો હતો, જાેકે સંબંધિત ઇજનેર વિભાગના અધિકારીઓ પાસે આનો કોઇ સંતોષકારક ઉત્તર નહોતો. બીજી તરફ આજે મ્યુનિ. રોડ-બિલ્ડીંગ કમિટીની બેઠક મળી રહી છે,
જેમાં ઇજનેર વિભાગે સામાન્ય કામોમાં પણ સિંગલ ટેન્ડર રજૂ કરીને તેમના માનીતા કોન્ટ્રાક્ટરોને હાલની આર્થિક મંદીમાં મોકળું મેદાન પૂરું પાડ્યું છે તેવી ચર્ચા ઊઠી છે, જાેકે રોડ-બિલ્ડીંગ કમિટીના નવા ચેરમેનને હવે નવા કહી શકાય તેમ નથી તેમ છતાં તેઓને કમિટી એજન્ડામાં મુકાયેલા કામોને પક્ષના વરિષ્ઠોની સૂચનાથી આંખ મીંચીને કામ મંજૂર કરી દેવા સિવાય બીજું કશું સૂઝતું નથી.
તેઓ જૂના જાેગી હોઇ રસ્તાના કામોના કૌભાંડથી સારી રીતે પરિચિત છે. તેમ છતાં તેમણે બિસમાર રસ્તા અંગે ઇજનેર વિભાગના એક પણ અધિકારીને હજુ સુધી ઠપકો આપ્યો હોય તેમ ચર્ચાતુ નથી. આમ, નવી ટર્મના શાસકોના શાસનકાળમાં પણ કેટલાક કૌભાંડી અધિકારીઓને જાણે કે જલસા પડી ગયા છે.