Western Times News

Gujarati News

નાગરિકો માટે જનસુખાકારીના કામોને વધુ વેગવાન બનાવાશે

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ કામોને વધુ વેગવાન બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ર્નિણય કરીને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી છે.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, ગુજરાત રોડ કનેક્ટિવિટીમાં દેશભરમાં મોખરે રહ્યું છે ત્યારે, રાજ્યભરમાં ૧૨,૨૦૦ કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુર્હૂત-લોકાર્પણ આગામી ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં ૩૩ જિલ્લાઓને આવરી લેવાશે. માર્ગ-મકાન વિભાગ હસ્તક રાજ્ય પ્રભાગ, પંચાયત પ્રભાગ તથા અન્ય મળી કુલ રૂપિયા ૧૨,૨૦૦ કરોડના કામો હાથ ધરાનાર છે.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પી.એમ. ગતિશક્તિ યોજના અંતર્ગત ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ૪૯થી વધુ મંજૂરીઓ ટૂંકા ગાળામાં મેળવવામાં આવી છે. ગુજરાતમાં રૂ. ૨,૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ઉમરગામથી નારાયણ સરોવરના કોસ્ટલ હાઇવે માટે પણ વિવિધ વિભાગોના સંકલનના કારણે અંદાજે રૂ. ૫૦૦ કરોડની બચત થશે. આવા અનેક પ્રોજેક્ટ રાજ્યમાં ચાલી રહ્યા છે જે સત્વરે પૂર્ણ કરાશે.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે વાંસ કલાના કારીગરોને પ્રોત્સાહિત કરીને તેમને વધુને વધુ રોજગારી મળે એ માટે ૪૨ લાખ જેટલા વાંસનું વિતરણ કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડા ખાતે મે માસના અંતમાં કાર્યક્રમ યોજાશે. આદિવાસી સમાજના ૧૬૮ જેટલાં ગામના લોકોને આનો લાભ મળશે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી વિવિધ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવશે.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિવિધ રેન્કના આધારે પંચાયતોની પસંદગી કરવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. જેના પરિણામે દેશભરની ૧ થી ૫૦ના રેન્કમાં ગુજરાતની ૧૯ પંચાયતો તથા ૧ થી ૧૦૦ના રેન્કમાં ૫૪ પંચાયતો પસંદ પામી છે જે આપણા સૌ માટે ગૌરવ છે.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં વધુને વધુ જળ સંચય થાય એ માટે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ચાલી રહ્યું છે જે હેઠળના કામો તા. ૩૧મી મે સુધીમાં પૂર્ણ કરવાના છે. આ માટે જિલ્લા પ્રભારી મંત્રીઓને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને આ કામો સમયસર પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. જેના માટે સૌ પ્રથમ ગુજરાતે નિવૃત્ત નાણા સચિવ ડૉ.હસમુખ અઢિયાના વડપણ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આ ટાસ્ક ફોર્સના અહેવાલમાં ગુજરાતનો ય્ડ્ઢઁ ૮.૩ ટકાથી વધારી ૧૦ ટકા સુધી લઇ જવાના વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. નાણાકીય શિસ્તમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અગ્રેસર છે.

ગુજરાત સૌથી ઓછુ ૧૬ ટકા જાહેર દેવુ ધરાવતું રાજ્ય છે જ્યારે અન્ય રાજ્યો ૨૨ થી ૨૪ ટકા જાહેર દેવુ ધરાવે છે. ભારતને આગામી સમયમાં કેવી રીતે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી તેના માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અત્યારથી ચોક્કસ રણનીતિ-રોડમેપ તૈયાર કર્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મંત્રીએ મહેસૂલ વિભાગની વિગતો આપતાં જણાવ્યું હતું કે કચ્છમાં ભૂકંપ બાદ સરકારી જમીનમાં ૨૦ હજાર મકાનો બાંધવામાં આવ્યા હતા. આ મકાનોના ટાઇટલ-માલિકી હકનો પ્રશ્ન હતો જે હલ કરવામાં આવ્યો છે. જેથી હવે અંદાજે ૧ લાખ લોકોને આ ર્નિણયનો લાભ મળશે.

મંત્રીએ કહ્યું હતું કે માધવપુર ઘેડના મેળામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરવા ઉત્તર પૂર્વના આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા એમ આઠ રાજ્યના હસ્તકલા-હાથશાળના કારીગરોને ગુજરાતમાં તેમના ઉત્પાદનોના વેચાણ માટે ખાસ હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

માધવપુર ઘેડ, અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા વિવિધ હસ્તકલા પ્રદર્શનમાં અંદાજે કુલ રૂ.૧.૫૦ કરોડના એટલે કે ૧૦૦ ટકાના માલનું વેચાણ થવાથી કલાકારોને મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઇ છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે તેડાગર કાર્યકરોની કુલ ૮,૮૪૬ જગ્યાઓ સામે ૭,૦૦૦ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શિતાથી ઓનલાઇન ભરતી કરવામાં આવી છે. પસંદગી પામેલા આ ૭,૦૦૦ તેડાગર કાર્યકરોને મે માસના અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.