નાગરિક બિલના વિરોધમાં અમદાવાદ બંધ હિંસક
અમદાવાદ: સીએએ(સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધમાં ૩ મુફતી, ૪ મૌલાના સહિત ૧૫ મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધને ગુજરાતમાં મહ્દઅંશે નિષ્ફળતા મળી હતી. અમદાવાદ સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં જ બંધની અસર જાવા મળી હતી પરંતુ અમદાવાદમાં બંધના એલાનને લઇ અને સીએએના વિરોધ દરમ્યાન અચાનક હિંસા ભડકી હતી.
ખાસ કરીને શહેરના વિસ્તારો શાહઆલમ, રખિયાલ, લાલદરવાજા, મીરઝાપુર સહિતના વિસ્તારોમાં લોકોએ જાહેરમાં ખુલ્લેઆમ જારદાર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ગાડીઓના કાચ તોડી એક તબક્કે પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તોફાની તત્વોના પથ્થરમારામાં એક એસીપી, ડીસીપી સહિત ૨૦થી વધુ પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. પોલીસને પરિસ્થિતિ થાળે પાડવા અને પથ્થરમારો કરતાં તોફાની તત્વોને વિખેરવા માટે ટીયરગેસના શેલ છોડવાની પણ ફરજ પડી હતી.
ગોધરાકાંડના તોફાનો બાદ ૧૭ વર્ષ પછી શહેરની શાંતિ ફરી એક વખત ડહોળાઇ હતી, જેને લઇ મોડી સાંજ સુધીમાં શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ તંગ બની ગયુ હતું. લોકોમાં ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જા કે, પોલીસે તાત્કાલિક કડક હાથે કામ લઇ તોફાની તત્વોને કાબૂમાં લીધા હતા અને અનેક તોફાની તત્વોની અટકાયત પણ કરવામાં આવી હતી. હિંસાની ઘટનાઓ બાદ મોડી સાંજે શહેરમાં જમાલપુર, રખિયાલ, લાલદરવાજા, શાહઆલમ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં કેટલીક બસોના રૂટ રદ કરવાની ફરજ પડી હતી.
સીએએના વિરોધમાં આજે અલ્પસંખ્યક અધિકાર મંચ સહિતની સંસ્થાઓના આગેવાનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવાની સાથે સાથે એક રેલીનું આયોજન કરાયું હતું પરંતુ પોલીસે રેલીની મંજૂરી આપી ન હતી. જા કે, અમદાવાદ સહિત ગુજરાતભરમાં બંધના એલાનને બહુ સફળતા મળી ન હતી પરંતુ મુસ્લિમ વિસ્તારોમાં સીએએનો વિરોધ સ્પષ્ટ રીતે સામે આવ્યો હતો.
ખાસ કરીને અમદાવાદમાં બપોર પછી પરિસ્થિતિ વણસી હતી. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તો, મીરઝાપુરમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જેને પગલે પોલીસે મીરઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
બીજીબાજુ, આ હુમલાના ઘેરા પ્રત્યાઘાત રખિયાલ, શાહઆલમ સહિતના વિસ્તારોમાં જાવા મળ્યા હતા. સાંજે શાહઆલમ વિસ્તારોમાં તોફાની તત્વો પર ખુલ્લેઆમ જાહેરમાં રસ્તાઓ પર ઉતરી આવી પોલીસ પર જારદાર પથ્થરમારો કર્યો હતો.
તોફાની તત્વોએ પોલીસને પથ્થરમારો કરી સીધી નિશાન બનાવી હતી. મીરઝાપુરથી શાહપુર રંગીલા ચોકી, શાહપુર સ્કૂલ, ટોરેન્ટ પાવર, ગ્રામ્ય કોર્ટથી મીરઝાપુર સુધી ડીસીપીએ ૧૦૦ પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલીંગકર્યું હતું. જ્યારે લાલ દરવાજા પાસે એએમટીએસ બસના કાચ તોડ્યા હતા.
રખિયાલમાં હજારોથીની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન રસ્તા પર ઉતર્યા હતા. જેને પગલે સ્થાનિક પોલીસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પ્રદર્શનને પગલે અમ્યુકો દ્વારા અજિતમિલથી સારંગપુર એએમટીએસ રૂટ બંધ કરવામાં આવ્યો હતો અને બસ રદ કરાઇ હતી. પોલીસે લાઠીચાર્જ કરી, ટીયરગેસના શેલ છોડી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ભયનો માહોલ સર્જાતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રિલીફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ નાસી છૂટ્યા હતા.