નાગરિક બિલ : દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી
ગુવાહાટી: નાગરિક સુધારા બિલની સામે દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે કેટલીક જગ્યાએ સ્થિતી સામાન્ય બનતા સંચારબંધીને દુર કરવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવા પણ ફરી શરૂ કરી દેવામાં આવી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતીમાં સુધારો થયો છે
સરકારે દાવો કર્યો છે કે સંચારબંધીને દુર કરવામાં આવી ચુકી છે. નાગરિક સુધારા કાનુનની સામે હિંસક પ્રદર્શન થયા બાદ બંધ કરવામાં આવેલી બ્રાડબેન્ડ ઇન્ટરનેટ સેવા આજે સવારે ફરી શરૂ કરી દેવામાં આવી છે.
ડિબ્રુગઢમાં સવારથી સંચારબંધી ઉઠાવી લેવામાં આવી છે. મુખ્યપ્રધાન સર્બાનંદના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા.આસામમાં હિંસામાં હજુ સુધી પાંચ લોકોના મોત થયા છે અને ૮૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આસામના પ્રધાન હેમંત વિશ્વાએ કહ્યુ છે કે આસામના દરેક વિસ્તારમાંથી સંચારબંધી ઉઠાવી લેવામાં આવી છે.
આસામમાં સ્કુલ અને કોલેજ ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રહેનાર છે. દરમિયાન હિંસક વિરોધ પ્રદર્શન પર કાબુ મેળવી લેવા માટે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મેંઘાલયના શિલોંગમાં પણ સંચારબંધી હળવી કરવામાં આવી છે.
જા કે અહીં મોબાઇલ ઇન્ટરનેટ સેવા હજુ બંધ રાખવામાં આવી છે. ડીએમકેના નેતા કોનીમોઝી અને દયાનિધી મારન સહિતના નેતાઓએ આજે દેખાવો કર્યા હતા. બંગાળના હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. ઉત્તરપૂર્વીય રાજ્યો, દિલ્હી, મુંબઈ અને અન્ય ભાગોમાં પણ દેખાવકારો હવે મેદાનમાં આવી ગયા છે. તીવ્ર વિરોધ પ્રદર્શનના કારણે સ્થિતી તંગ બનેલી છે. સૌથી વધારે હાલત આસામમાં ખરાબ થઇ હતી. આસામમાં હિંસક દેખાવોમાં પોલીસ ગોળીબારમાં પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે.