નાગરિક સુધારા કાનૂનને લઇને પીછેહઠ થશે નહીં :અમિત શાહ
કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સીએએ, કાશ્મીર, રામ મંદિર, શ્યામાપ્રસાદ મુખર્જીના બહાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર જારદાર પ્રહારો કર્યા હતા. સાથે સાથે મમતા બેનર્જીના ગઢ કોલકાતામાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂનથી પીછેહઠ કરવાનો કોઇ પ્રશ્ન નથી. નાગરિક સુધારા કાનૂનને લઇને ટીએમસીના વડા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ અમે પીછેહઠ કરીશું નહીં. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
મમતા બેનર્જી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે શરણાર્થીઓ માટે નાગરિકતાનો મુદ્દો ઉઠાવતા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએએ લઇને આવ્યા છે ત્યારે મમતા બેનર્જી હવે કોંગ્રેસ અને ડાબેરીઓની સાથે વિરોધ પ્રદર્શનમાં જાડાઈ ગયા છે. મમતા બેનર્જી લઘુમતિ લોકોમાં ભય ફેલાવી રહ્યા છે. મમતા બેનર્જીએ લઘુમતિઓમાં એવી દહેશત ફેલાવી છે કે, તેઓ નાગરિકતા ગુમાવી દેશે પરંતુ સરકાર કોઇ કિંમતે પીછેહઠ કરશે નહીં.
કોલકાતાના શહીદ મેદાનમાં સીએએના સમર્થનમાં આયોજિત રેલીમાં શાહે કહ્યું હતું કે, બંગાળમાં ભાજપની પ્રચંડ બહુમતિ સાથેની સરકાર બનશે. લોકસભા ચૂંટણી વેળા જ્યારે પ્રચાર માટે આવ્યા હતા ત્યારે ગોળીબાર થયા હતા. હેલિકોપ્ટરને ઉતરવાની મંજુરી મળી ન હતી.
૪૦થી વધુ કાર્યકરોના મોત થઇ ગયા હતા. મમતા બેનર્જી દ્વારા તમામ પ્રયાસો કરાયા હોવા છતાં ભાજપને રોકી શકી ન હતી. આ રેલી મમતા બેનર્જી અને તેમની પાર્ટીના અસામાજિક તત્વોની સામેની રેલી છે. અમિત શાહે કોલકાતામાં એનએસજીના નવા કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, એનએસજીનું કામ દેશ તોડનાર લોકોમાં ભય પેદા કરવાનું છે. અમિત શાહ આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા.
શાહે કહ્યું હતું કે, દેશની સુરક્ષામાં લાગેલા તમામ જવાનોના પરિવારજનો અને બાળકોની સુરક્ષા-સલામતીની જવાબદારી અમારી છે. મોદી સરકાર જવાનોના બાળકોને સારું શિક્ષણ, પરિવારજનોને રહેવા માટે મકાન અને ચિકિત્સાની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવશે. શાહે કહ્યું હતું કે, અમે આખી દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જે અમારી શાંતિમાં દખલગીરી કરશે, તેમને ઘરમાં ઘુસીને મારીશું. સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક આનું તાજું ઉદાહરણ છે.
મોદી સરકારે જવાનોને પૂરતી છૂટ આપી છે. આજ સુધી એવું નથી થયું. જેના કારણે આખી દુનિયામાં ભારતીય શૌર્યની પ્રશંસા થાય છે. તેમને કહ્યું હતું કે, આઝાદી બાદથી અત્યાર સુધી જ્યારે પણ કોંગ્રેસની સરકાર રહી, દેશની રક્ષા-વિદેશ નીતિઓમાં ગોટાળા થતા રહ્યા છે. મોદીના આવ્યા પછી આ બધું ઠીક થયું છે.
શાહે કહ્યું કે, અમે એ પ્રકારની ટ્રેનિંગ ડિઝાઈન કરવા માંગીએ છીએ, જેનાથી જવાન ઓછામાં ઓછા સમયમાં દુશ્મનના ઈરાદાના નિષ્ફળ કરી શકે. જે પણ આતંકવાદી હુમલો કરવા માટે આવે છે, તેનું લક્ષ્ય નક્કી હોય છે. તે વધારેમાં વધારે જાનમાલને નુકસાન પહોંચાડે છે. એવામાં એનએસજીના જવાનોએ તેમના મિશનને ઝડપથી નિષ્ફળ કરવા અંગેનું ઓપરેશન શીખી લેવું જોઈએ. શાહે કહ્યું કે, આના માટે શ્રેષ્ઠ ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએ.
આજે આ પ્રચંડ રેલી મમતા દીદી, તેમના ગુંડાઓના અન્યાય વિરુદ્ધની રેલી છે. ભારતીય જનતા પાર્ટી એક અન્યા વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છે. હજારો કાર્યકર્તાઓ પર લાકડીઓ વરસાવાઈ. ફાયરિંગ કરાયું. અમિત શાહે કોલકાતા રેલીમાં એમ પણ કહ્યું હતું કે, જ્યારે બંગાળમાં અમે ચૂંટણી મેદાનમાં હતા ત્યારે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જામીન બચાવી શકશે નહીં. હવે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે પાર્ટી જીતશે. ૨૦૧૪ ચૂંટણીમાં ભાજપને ૮૭ લાખ મત મળ્યા હતા. ૨૦૧૯માં આ સંખ્યા વધીને ૨.૩ કરોડ થઇ હતી. રાજ્યમાં ભાજપના ૧૮ સાંસદો ચુંટાયા હતા.