નાના અંબાજી પદયાત્રીઓથી ઉભરાયું, રોજના હજારો પદયાત્રીઓનો ધસારો

અંબાજી તરફ જતા માર્ગો ઉપર માનવ સાંકળની શરૂઆત
પાલનપુર, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવવાની શક્યતાઓ સાથે વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે માર્ગો ઉપર અંબાજી જતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થયા પછી સાબરકાંઠાના પ્રસિદ્ધ ખેડબ્રહ્માને નાનાઅંબાજી તરીકે જતા પદયાત્રીઓ ફરજીયાત ખેડબ્રહ્મા માં અંબેના દર્શન કર્યા પછી આગળ વધતા હોય છે
જેના કારણે છેલ્લા ર દિવસથી રોજના હજારો પદયાત્રીઓ મોટાઅંબાજી જતા નાના અંબાજીએ માં અંબાના દર્શન કરી આગળ વધી રહ્યા છે. અંબાજીને જાેડતા માર્ગો ઉપર પદયાત્રીઓની સતત હાજરી વધી છે જેથી માર્ગો ઉપર માનવ સાંકળ રચાઈ છે.
ભાદરવો મહિનો શરૂ થાય એટલે લોકમેળાની રંગત જાેવા મળતી હોય છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનું સંક્રમણ હાવિ થઈ જતાં ગ્રામ્ય સંસ્કૃતિની ઓળખ કરાવતા લોકમેળાઓને ગ્રહણ લાગ્યું છે. જિલ્લામાં અડપોદરાના ઝાલાજી તેમજ જાદરના મૃધણેશ્વરનો પ્રખ્યાત મેળો સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રદ કરવામાં આવ્યો
પરંતુ માર્ગો ઉપર માં અંબા પ્રત્યેની શ્રદ્ધાંના દર્શન થઈ રહ્યા છે. અંબાજીમાં યોજાતા પરંપરાગત લોકમેળાનું આયોજન એક તબકકે રદ કરવામાં આવશે તેવું માની અન્ય જિલ્લાના પદયાત્રીઓએ આ વખતે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે જેના કારણે જિલ્લાના માર્ગો ઉપર બોલ મારી અંબે, જય જય અંબે.. ના જયઘોષ સાથે પદયાત્રી અંબાજી ભણી આગળ વધી રહ્યા છે.
અંબાજી જતા રસ્તામાં ખ્યાતિ પ્રાપ્ત ખેડબ્રહમાનું અંબાજી મંદિર આવે છે જેના કારણે દરેક શ્રદ્ધાળુઓ દર્શન માટે અવશ્ય જતા હોય છે. છેલ્લા ર દિવસથી નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મામાં પદયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે.
વરસાદનું અલપ ઝલપ વિધ્ન નડતું હોવા છતાં અન્ય જિલ્લાના પદયાત્રીઓ અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ પ્રયાણ કરતાં માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠયા છે.