નાના ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યાં છે
ગાંધીનગર: ગામડાઓમાં કોરોના સંક્રમણ હદ કરતા વધી રહ્યુ છે. એક જ પરિવારમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. હવે ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યાં છે. નાના ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યાં છે. સાથે જ સરકાર દ્વારા અહી લોકોને સારવાર કરવાની અપીલ કરાઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાતેના કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા ડીજીપી દ્વારા આદેશ કરાયો છે.
ગુજરાતના શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભીડ ન થાય તથા લગ્ન જેવા પ્રસંગોમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પોલીસ વોચ રાખશે પીએચસી, સીઆરસીના સંપર્કમાં રહીને કોવિડ કેર સેન્ટર ખાતે જરૂરી સંખ્યામાં પોલીસ તથા તેની સાથે મદદમાં જી.આર.ડી.ના જવાનો અને ગામના યુવાનોને સ્વયંસેવકો તરીકે મદદમાં લેવા આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગામડાઓમાં હજી પણ લોકો લગ્નપ્રસંગોમાં ભીડ એકઠી કરી રહ્યાં છે. એક તરફ જ્યાં ગામડાઓમાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યાં હવે ગામડાઓ પર નજર રાખવાની જરૂર પડી છે, જેથી ગુજરાત પોલીસ દ્વારા આ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
ગામ ખાતે અન્ય જાહેર સંસ્થાઓએ લોકો વધુ સંખ્યામાં એકઠા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમોનું પાલન થાય તે પણ પોલીસ તથા જી.આર.ડી જવાનો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમા ૫૬૬૦૦ પોલીસ અધિકારી કર્મચારી, ૯૦ એસઆરપી કંપની, ૧૩૦૦૦ જેટલા હોમ ગાર્ડ તથા ૩૦,૦૦૦ જીઆરડીનાં જવાનો તૈનાત રહેશે.