નાના લાૅકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, ૧૪ દિવસ જરૂરી: રણદીપ ગુલેરિયા
નવીદિલ્હી, દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લાૅકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લાૅકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડાૅક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે. ડાૅક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લાૅકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેન તોડવી છે તો રાજ્યોએ ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે લાૅકડાઉન લગાવવું પડશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે ૫૫ કલાક માટે સંપૂર્ણ લાૅકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પુણેમાં ૧૦ દિવસના લાૅકડાઉનની જાહેરાત કરી છે.
એસબીઆઈ તરફથી આયોજિત ઇકાૅનોમિક કાૅન્ફરન્સમાં કોરોના અંગે વાત કરતા એઇમ્સના ડિરેક્ટર ડાૅક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, દેશમાં હાલ કોરોના પીક પર પહોંચી ગયો છે. આગામી થોડા દિવસમાં દેશના અનેક રાજ્યમાં સુધારો જોવા મળશે. આ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધશે. ગુલેરિયાએ સ્વીકાર કર્યો કે કોરોનાના આંકડા ઓછા થવામાં હાલ સમય લાગી શકે છે. ગુલેરિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ફક્ત ત્રણ દિવસમાં એક લાખનો આંકડા પાર કરી ગઈ છે.
ડાૅક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, અનલાૅકમાં મળેલી છૂટનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું છોડી દીધું છે. તંત્રએ ક્લસ્ટર્સ અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સતત દેખરેખ રાખવી જોઈએ. આખા શહેરમાં લાૅકડાઉન કરવાથી કોઈ ફાયદો નહીં થાય. સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં લાૅકડાઉનનું કડકથી પાલન કરાવવું જોઇએ. દેશમાં કોરોના વાયરસનું હબ બની ગયેલા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના સંક્રમણને કારણે ૨૨૬ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતનો આ સૌથી મોટો આંકડો છે. જ્યારે કોરોનાના કુલ ૭,૮૬૨ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવા કે સાથે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૨,૩૮,૪૬૧ થઈ છે, જેમાંથી ૧,૩૨,૬૨૫ લોકો સાજા થયા છે, જ્યારે ૯,૮૯૩ લોકોનાં મોત થયા છે.