નાની બહેને વાત ન માનતા ભાઈએ આપઘાત કરી લીધો
સુરત: સુરત શહેરમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણીને કોઈ ફણ વિચારમાં પડી જાય. ભાઈ-બહેન વચ્ચે થતાં સામાન્ય ઝઘડા અનેક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. સુરતમાં જે બનાવ બન્યો છે તેનાથી ચકચાર મચી જવા પામી છે. અહીં એક પાંચ વર્ષની બહેને પોતાના ૧૩ વર્ષના ભાઈની વાત માની ન હતી. જે બાદમાં ૧૩ વર્ષના ભાઈએ આવેશમાં આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પાંચ વર્ષની બહેન અને ૧૩ વર્ષના ભાઈ વચ્ચે નાસ્તો લેવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાત એટલી જ હતી કે પાંચ વર્ષની બહેન તેના મોટાભાઈની વાત માની ન હતી. આ સામાન્ય વાતનું ભાઈને માઠું લાગી ગયું હતું. મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા આનંદનગર ખાતે આવેલા ઇડબ્લ્યૂએસ આવાસમાં અરૂણભાઇ તિવારી પરિવાર સાથે રહે છે. અરુણભાઈ કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચાલવે છે. અરુણભાઈની પત્ની એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરીને પરિવારને મદદ કરે છે. દંપતીને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી અને ૧૩ વર્ષનો દીકરો છે.
જેમાંથી ૧૩ વર્ષના દીકરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ગતરોજ દંપતી બંને સંતાનોને મૂકીને કામ કરવા માટે ગયું હતું. આ દરમિયાન ૧૩ વર્ષનો પુત્ર અમરત અને પાંચ વર્ષની બાળકી ઘરે એકલા હતા. આ દરમિયાન પાંચ વર્ષની બહેને પોતાના મોટાભાઈ પાસે નાસ્તાના રૂપિયા માંગ્યા હતા. આ દરમિયાન ભાઈએ ઘરમાં મૂકેલા પૈસા ન લેવાની તેમજ નાસ્તો લેવા ન જવા માટે બહેનને સૂચના આપી હતી. જોકે, બહેન ભાઈની વાત માની ન હતી અને ઘરમાં મૂકેલા પૈસા લઈને નાસ્તો લેવા માટે બહાર ગઈ હતી. પોતાની નાની બહેન પોતાની વાત ન માનતા ભાઈને ખોટું લાગી ગયું હતું અને ૧૩ વર્ષના અમરતે આવેશમાં આવીને ગળેફાંસો ખાઈ લીધો હતી.
બહેન પરત આવી ત્યારે ભાઈને લટકેલી હાલતમાં જોતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પાડોશીઓએ આ મામલે અમરતના માતાપિતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસ અને અમરતના માતાપિતા પણ ઘરે દોડી આવ્યાં હતાં. ૧૩ વર્ષના પુત્રએ કરેલા આપઘાતની વાત જાણીને પતી-પત્ની બંને ભાંગી પડ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.