નાની વયના લોકોને પણ કોરોનાનો ચેપ લાગી રહ્યો છે
અમદાવાદ શહેરમાં જ એક જ દિવસમાં ૫૦૨ નવા દર્દીઓનો ઉમેરો-હાલના સેમ્પલ્સમાં એસ જિન નથી દેખાઈ રહ્યો-ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોનાના દર્દી વધી રહ્યા છે, પરંતુ લક્ષણો હળવા દેખાઈ રહ્યા હોવાનો ડોક્ટર્સનો અભિપ્રાય
અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક ૧૭૩૦ નવા કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર અમદાવાદ શહેરમાં જ એક જ દિવસમાં ૫૦૨ નવા દર્દીઓનો ઉમેરો થયો છે. ગત વર્ષે કોરોના વાયરસનું જે સ્વરુપ હતું, તેના કરતા આ વખતે વાયરસના ફેલાવામાં અને તેના દર્દીઓમાં ડૉક્ટર્સને કેટલોક દેખીતો ફરક લાગી રહ્યો છે.
શહેરના ડૉક્ટર્સનું માનવું છે કે, ગયા વર્ષ કરતાં આ વખતે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ તેના લક્ષણો ખૂબ જ હળવા દેખાઈ રહ્યા છે. ૨૦૨૦માં જે લોકોને કોરોના થયો હતો, તેમાંના ઘણા લોકોને સખત તાવ, શ્વાસ લેવામાં તકલીફ તેમજ શરીરમાં દુઃખાવા જેવા ગંભીર લક્ષણો દેખાતા હતા.
જ્યારે આ વખતે લક્ષણો શરદી જેવા હળવા અને કેટલાક કેસમાં દર્દીને ગળામાં દુઃખાવો થતો હોવાથી વિશેષ બીજું કંઈ ખાસ થતું નથી. લક્ષણો ખૂબ જ હળવા હોવાના કારણે દર્દીને પોતાને એ વાતનો અહેસાસ નથી થતો કે તેને કોરોના થયો છે. જેના કારણે તે પોતાના પરિવારજનો સહિત બીજા લોકોને પણ ચેપ લગાડી બેસે છે.
તેના લીધે નવા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને એક જ પરિવારમાં એકથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. શહેરમાં પેથોલોજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. ડી.જી. પટેલના જણાવ્યા અનુસાર, અગાઉ કોરોનાના દર્દીઓમાં એનએલઆર અને સીઆરપીનું પ્રમાણ ૧૦૦-૧૫૦ જેટલું ઉંચું જાેવા મળતું હતું. જે હાલના દિવસોમાં ઘટીને માંડ ૫૦-૬૦ જેટલું થઈ ગયું છે.
જેના કારણે પણ વાયરસની ઘાતકતા ઘટી છે, અને મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની જરુર નથી પડતી. શહેરમાં ફેફસાંના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરતાં અને કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તુષાર પટેલનું કહેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં જે વધારો થયો છે તેને વાયરસના મ્યૂટેશન સાથે જાેડી શકાય.
છેલ્લા ૧૫ દિવસમાં જે દર્દીઓ જાેવા મળી રહ્યા છે, તેમની સરખામણી દિવાળી પહેલાના સમયના પેશન્ટ્સ સાથે કરવામાં આવે તો જણાય છે કે કોરોનાની ગંભીરતા અને મૃત્યુદર બંને ઘટ્યા છે. જાેકે, તેનો ફેલાવો ખૂબ જ ઝડપી બન્યો છે. દેશના અન્ય રાજ્યો અને દુનિયાના કેટલાક દેશોમાં પણ આ જ ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે.
ક્રિટિકલ કેર નિષ્ણાંત ડૉ. મહર્ષી દેસાઈના જણાવ્યા અનુસાર, ગયા વર્ષ કરતાં આ વખતે યુવા વયના દર્દીઓની સંખ્યા વધુ છે. સામાન્ય રીતે નોકરી-ધંધા માટે બહાર જતાં લોકોને તેનો ચેપ લાગી રહ્યો છે. ગુજરાતમાં વાયરસના મ્યૂટેશન અંગેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ તેની શક્યતા નકારી શકાય તેમ નથી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરી રહેલા શહેરના પેથોલોજિસ્ટ્સ પણ સેમ્પલમાં નવી પેટર્ન જાેઈ રહ્યા છે.
અત્યારે જે દર્દીઓના સેમ્પલ લેવાઈ રહ્યા છે, તેમાં એસ-જીનની હાજરી નથી દેખાઈ રહી. જીસીએસ મેડિકલ કોલેજના પ્રોફેસર પેથોલોજિસ્ટ ડૉ. ઉર્વેશ શાહના જણાવ્યા અનુસાર, આરટી-પીસીઆરની ટેસ્ટ કિટ્સમાં એસ, એન અને ઈ જિન્સ અને આરડીઆરપી જિનના આધારે કોરોનાનો ટેસ્ટ થતો હોય છે. દર્દીને લાગેલો ચેપ કેટલો ગંભીર છે તેના આધારે આરટી-પીસીઆર ટેસ્ટમાં ઉપરોક્ત ચારમાંથી બે, ત્રણ કે પછી ક્યારેક ચારેય જિન્સ જાેવા મળતા હોય છે.
જાેકે, અમદાવાદમાં હાલ જે સેમ્પલ લેવાઈ રહ્યા છે તેમાં એસ-જિન નથી દેખાઈ રહ્યો. પરંતુ બાકીના ત્રણ જિન્સ દેખાઈ રહ્યા હોવાથી રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. જેના પરથી માની શકાય કે એસ જિનનું મ્યૂટેશન થઈ ગયું હોવાના કારણે તે ડિટેક્ટ નથી થઈ રહ્યો. વળી, હાલની કિટ્સ પણ વાયરસના અગાઉના વેરિયંટના આધારે બનાવાઈ હોવાથી પણ એસ-જિનનું બદલાયેલું સ્વરુપ તેમાં ના પકડાતું હોય તે શક્ય છે.