નાયબ મુખ્યમંત્રીએ પચ્ચીસ નવી ૧૦૮નું લોકાર્પણ કર્યું

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજાેગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. ડબલ્યુએચઓના ધોરણો મુજબ દર ૧ લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જાેઇએ એ મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જાેઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦ થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે
જે અમારી નાગરિકોની જીંદગી બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે ગાંધીનગર ખાતે નવી પચીસ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે આકસ્મિક સંજાેગોમાં નાગરિકોને ત્વરિત આરોગ્ય સારવાર આપવી એ વેળાએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં સાત ૧૦૮ એમ્બ્યુલન્સથી શરૂ કરેલી સેવાઓમાં ઉત્તરોતર વધારો સરકારે કર્યો છે અને આજે ૧૦૮ની આઠસો એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં કાર્યરત છે.
આ યોજનાની સફળતાને ધ્યાને લઈ અમે તેમાં વધારો કર્યો છે. નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા માટે આગામી બે-ત્રણ માસમાં નવી પંચોતેર ૧૦૮ એમ્બ્યુલન્સ વાન સુવિધા નાગરિકો માટે કાયાર્ન્વિત કરાશે. તેમણે ઉમેર્યું કે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ માટે રાજ્યના વિવિધ તાલુકા મથકોએ નિયત પોઇન્ટ નક્કી કરાયા છે. જેનું રાજ્યકક્ષાએથી અમદાવાદના મુખ્ય કન્ટ્રોલરૂમથી મોનિટરીંગ કરાય છે. જે સેવાઓ ૨૪ કલાક કાર્યરત છે અને માત્ર ૨૦ મિનિટના સમયમાં દર્દીઓ પાસે પહોંચીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડે છે.
દર્દીઓને વધુ સઘન સારવાર મળી રહે એ માટે ૨૦૦ એમ્બ્યુલન્સ વાનમાં વેન્ટિલેટર સહિત મોનિટર અને અન્ય આનુષાંગિક સાધનો સાથે સુસજ્જ છે. તેમણે ઉમેર્યું કે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા ૧ કરોડ ૨૨ લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાયા છે એટલું જ નહીં ૧.૨૦ લાખથી વધુ મહિલાઓની પ્રસૂતિ પણ આ વાનમાં કરાઈ છે. કોરોનાના કપરાકાળમાં દર્દી પાસે જતાં પરિવારના સભ્યો પણ ડરતા હતા તે સમયે ૧૦૮ની સમગ્ર ટીમ દ્વારા વિવિધ જિલ્લામાં ૨.૧૫ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડવાની સુંદર કામગીરી કરી છે.